સિંધિયાને મંત્રી બનાવવાની વકીથી ઘણા નેતાઓ ચિંતાતૂર
ભોપાલ: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારની ચર્ચાઓ વચ્ચે હવે એ વાતની સંભાવના છે કે મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મોદી સરકારના સામેલ થઈ શકે છે. સિંધિયાના મંત્રી બનવાની સંભાવનાએ અનેક નેતાઓની ચિંતા વધારી દીધી છે. કારણ કે તે નેતાઓનો પ્રભાવ ઓછો થઈ શકે છે.
મધ્ય પ્રદેશમાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર તોડીને ભાજપની સરકાર બનાવવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ભૂમિકા મહત્વની રહી છે. સિંધિયાને ભાજપે રાજ્યસભામાં મોકલ્યા છે અને આવનારા દિવસોમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં તેમને પણ શપથ લેવડાવવામાં આવી શકે છે.
સિંધિયા ગ્વાલિયર-ચંબલ વિસ્તારથી આવે છે. આ એ વિસ્તાર છે જ્યાંથી ભાજપના અનેક કદાવર નેતા આવે છે. જેમાં મુખ્ય રીતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા, રાજ્ય સરકારમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, પૂર્વ મંત્રી અને સિંધિયા રાજપરિવારના પ્રખર વિરોધી જયભાન સિંહ પવૈયા ઉપરાંત રાજ્ય સરકારમાં મંત્રી યશોધરા રાજે સિંધિયા પણ આ વિસ્તારમાંથી આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રીમંડળનો ભાગ બન્યા બાદ આ વિસ્તારના રાજકારણમાં ઉથલપાથલ મચી શકે છે.
આ ઉપરાંત રાજ્ય સરકારમાં પ્રદ્યુમનસિંહ તોમર, મહેન્દ્ર સિસોદિયા-સિંધિયા કોટામાંથી શિવરાજ સરકારમાં મંત્રી છે. રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે સિંધિયા ભાજપમાં સામેલ થયા બાદ સતત તેમનો પ્રભાવ અને કદ વધી રહ્યા છે. તેની પાછળનું મોટું કારણ એ છે કે તેમના દાદી વિજયારાજે સિંધિયા ભાજપના સંસ્થાપકોમાં રહ્યા છે. આ સાથે જ તેમની સંઘ સાથે પણ નીકટતા રહી છે.
હવે જ્યોતિરાદિત્ય સિંધિયાના પણ સંઘ સાથે મેળ મુલાકાત વધી ગયા છે. આવનારા દિવસોમાં સિંધિયાના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તેમને અધિકાર વધશે અને આ વાત અનેક નેતાઓ માટે પરેશાનીનું કારણ પણ બની જશે.