રસી ૧૫૦ રૂ.માં લાંબા સમય સુધી સપ્લાય કરવી સંભવ નથી
નવી દિલ્હી: કોરોના વાયરસ વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે મંગળવારે કહ્યું કે, સરકારને ૧૫૦ રૂપિયા પ્રતિ ડોઝની કિંમતમાં કોવૈક્સીનની સપ્લાય કરવી લાંબા સમય સુધી સંભવ નથી. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર કોવિશીલ્ડની નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા અને કોવૈક્સીન બનાવનારી ભારત બાયોટેક પાસે વેક્સિન પ્રતિ ડોઝ ૧૫૦ રૂપિયાની કિંમતે ખરીદી રહી છે. કંપનીએ કહ્યું કે, તેથી ખાનગી બજારોમાં ખર્ચના ભાગને ઓફસેટ કરવા માટે એક ઉચ્ચ કિંમતની જરૂરીયાત હોય છે.
ભારત બાયોટેકનું આ નિવેદન તે ચર્ચા બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટ પાસે રસીનો બીજીવાર ભાવતોલ કરાવી શકે છે. હવે ૨૧ જૂનથી ફ્રી રસીકરણની નીતિ લાગૂ થવા જઈ રહી છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૨૧ જૂન પહેલા કેન્દ્ર સરકાર કંપનીઓ પાસે રસીની કિંમતને લઈને બીજીવાર ભાવતાલ કરાવી શકે છે.
હાલના સમયમાં કોવૈક્સીન માટે રાજ્યોએ ૪૦૦ રૂપિયા પ્રતિ ડોઝની ચુકવણી કરવી પડી હતી. જ્યારે કોવિશીલ્ડ માટે એક ડોઝની કિંમત ૩૦૦ રૂપિયા હતી. પરંતુ ઘણા રાજ્યો તરફથી પણ ફ્રી રસીકરણની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે કેન્દ્રએ દેશભરના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત કરી છે.