ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ ૨૪ જૂને જાહેર થાય તેવી શક્યતા
અમદાવાદ, આ શૈક્ષણિક વર્ષે કોરોનાને કારણે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયા બાદ હવે દરેક શાળાઓને તેના વિદ્યાર્થીઓના ગુણ સાથેનાં પરિણામ તૈયાર કરીને તા.૧૭ જૂનને ગુરુવાર સુધીમાં બોર્ડના પોર્ટલ પર અપલોડ કરી દેવા માટે બોર્ડના પરીક્ષા સચિવે તાકીદ કરી છે. જેના કારણે હવે ઝડપભેર ધોરણ ૧૦નું પરિણામ જાહેર થશે. ૨૪ જૂને પરિણામ જાહેર થવાની શક્યતા છે.
શાળા દ્વારા તૈયાર કરાયેલ પરિણામ બોર્ડના પોર્ટલ પર અપલોડ કરવા માટે તમામ શાળાઓને ૮ જૂનથી ૧૭ જૂન સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. આથી માધ્યમિક શાળાઓના નિયમિત વિદ્યાર્થીઓનાં ગુણ બોર્ડના પોર્ટલ પર અપલોડ થઇ જાય તે બાબતની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
ધોરણ ૧૦ બોર્ડની ૨૦૨૧માં જાહેર પરીક્ષાને બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી આપવાની જાહેરાત અનુસાર પરિણામ તૈયાર કરવાની જાણ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓનું પરિણામ શાળાઓએ ૪ જૂનથી લઇને ૧૦ જૂન સુધીમાં અપલોડ થયા બાદ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઇન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડિયામાં કરાશે. વિદ્યાર્થીઓને માર્કશીટ વિરણ જુલાઇના બીજાં અઠવાડિયાંથી કરાશે.
વિદ્યાર્થીને માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખુટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવીને ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ જાેઇતા હશે તેટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરાશે. ધોરણ ૧૦નું પરિણામ ધોરણ ૯ અને ૧૦ની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષાને આધારે તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.
ધોરણ ૯ની પરીક્ષાના ૪૦ ગુણ અને ધોરણ ૧૦ની પરીક્ષાના ૪૦ ગુણ તેમજ ધોરણ ૧૦ના શાળાકીય આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણના આધારે ધોરણ ૧૦નું પરિણામ તૈયાર કરવામાં આવશે. પરીક્ષામાં કોઇ પણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં નહીં આવે. પાસ થવા માટે જેટલા ગુણ ખૂટતા હશે તેટલા ગુણ આપી પાસ કરી દેવાશે.