૨૫ હજાર ભૂતિયા રેશનકાર્ડના અનાજનો બારોબાર ‘વહીવટ’
પુરવઠા વિભાગ ક્રોસ વેરિફિકેશન કરે તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય
અમદાવાદ, થોડાક દિવસ પહેલાં નિર્ણયનગર ગરનાળા પાસે આવેલા મિર્ચી મેદાનની પાછળ ગેરકાયદે છુપાવેલ મફત અનાજના જથ્થાના ચકચારી કિસ્સામાં પુરવઠા વિભાગ પાણીમાં બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કાળા બજારીયાએ બોગસ બિલ રજૂ કરતાં પૂરવઠા વિભાગે તેમને ક્લીન ચિટ આપી દીધી છે
પરંતુ હકીકત એ છે કે રાણીપ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં આવેલી રેશનિંગની દુકાનોમાં ભૂતિયા રેશનકાર્ડથી જે અનાજ આવે છે તે ગરીબોનાં પેટમાં નહીં પરંતુ ફ્લોર મિલમાં પલટી મારીને પહોંચાડી દેવામાં આવે છે. અમદાવાદની ૯૦૦ કરતાં વધુ રેશનિંગની દુકાનોમાં ૨૫ હજાર કરતાં વધુ ભૂતિયા રેશનકાર્ડ હોવાનો દાવો ઉચ્ચ અધિકરીઓ કરી રહ્યા છે.
કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરતાની સાથે જ કાળા બજારીયા મોજમાં આવી ગયા છે. રેશનિંગના અનાજનું કાળા બજાર રોકવા માટે પુરવઠા વિભાગ ઠેરઠેર વોચમાં છે ત્યારે નિર્ણયનગર ગરનાળા પાસે આવેલા મિર્ચી મેદાનની પાછળ ગેરકાયદે છુપાવેલા મફત અનાજના જથ્થાને પુરવટા વિભાગે પકડી પાડ્યો હતો. પુરવઠા વિભાગે અનાજના જથ્થા સાથે રાજકુમાર ગુપ્તાને ઝડપી પાડ્યો હતો. પરંતુ અનાજને બારોબાર સગેવગે કરવાના કૌભાંડના બ્રોકર એવા મુકેશ જૈન હજુ સુધી ક્યાંય સામે આવ્યા નથી.
પુરવઠા વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે નિર્ણયનગર ગરનાળા પાસે આવેલા મિર્ચી મેદાનની પાછળ એક ગોડાઉનમાં સરકારી અનાજ પ્રાઇવેટ બારદાનમાં ભરીને પડ્યું છે. બાતમીના આધારે પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રાજકુમાર ગુપ્તા નામની વ્યક્તિ પાસેથી ઘઉં અને ચોખાની બોરીઓ મળી આવી હતી.
રેશનિંગની દુકાનમાં સરકારી બારદાનમાં આવતાં સસ્તા અને મફતનાં અનાજને પલટી મારીને પ્રાઇવેટ બારદાનમાં ફેરવવામાં આવે છે. ત્યાર બાદ ફ્લોર મિલમાં તેને ઊંચા ભાવે વેચી દેવામાં આવે છે. રાજકુમાર ગુપ્તા, મુકેશ મહારાજ, મુકેશ જૈન, મોન્ટુ જૈન, રાહુલ જૈન તેમજ રૂડીલાલ, મદન, માંગીલાલ તૈલી, રામાજી સહિતના લોકો રેશનિંગની દુકાનમાં પોતાના કારીગરોને મોકલીને અનાજને પલટી મરાવે છે.
કોરોના વાઇરસના કારણે ગત વર્ષે આવેલા લોકડાઉનમાં સરકારે ગરીબોને મફત અનાજ મળે તેવી જાહેરાત કરી હતી. જેમાં સરકારે પૂરી ઇમાનદારીથી અનાજ પહોંચાડવા માટેની તૈયારી પણ કરી હતી પરંતુ કેટલાક કાળા બજારિયા અનાજને સગેવગે કરીને પોતાનું ખિસુ ગરમ કરી લીધુ હતું.
ખિસુ ગરમ કેવી રીતે થાય છે તેનું એક મોટુ કારણ સામે આવ્યું છે, રેશનકાર્ડના આધારે સરકાર અનાજને સમયસર પહોંચતુ કરે છે પરંતુ અમદાવાદની તમામ દુકાનોમાં ૨૫ હજારથી વધુ ભૂતિયા રેશનકાર્ડ છે. ભૂતિયા રેશનકાર્ડ એટલે જે વ્યક્તિનું કોઇ વજૂદ ના હોય તેવી વ્યક્તિના નામે રેશનકાર્ડ ઇશ્યૂ થાય છે અને ત્યારબાદ બારોબાર સસ્તુ અને મફતનું અનાજ ગરીબના પેટમાં જવાની જગ્યાએ મિલના માલિકો સુધી પહોંચે છે.
આ કૌભાંડમાં પુરવઠા વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તેમજ અનાજને દુકાન સુધી પહોંચાડનાર કોન્ટ્રાક્ટર, દુકાનદાર ત્યાર બાદ પલટીનો માલ લેનાર દલાલ સહિતના લોકો ઇન્વોલ્ડ છે. ભૂતિ કાર્ડ બનાવવાની ગોલમાલ ગાંધીનગર લેવલથી થતી હોવાની પણ ચર્ચા અધિકારીઓમાં છે. એક જ પરિવારના અલગ અલગ સભ્યોનાં રેશનકાર્ડ બની ગયા હોવાની પણ શક્યતા છે. હાલ અમદાવાદની તમામ દુકાનોમાં ક્રોસ વેરિફિકેશન થાય તો ૨૫ હજારથી વધુ ભૂતિયાં રેશનકાર્ડ સામે આવે તેવી શક્યતા છે.