Western Times News

Gujarati News

તારાપુર નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં ભાવનગરના પરિવારના ૧૦નાં મોત

ભાવનગરનો પરિવાર સુરતથી ભાવનગર ઈકો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે ઈન્દ્રણજ ગામ પાસે કાર ટ્રકની સાથે ઘડાકાભેર ટકરાઈ

(તસવીરોઃ વિનાયક આનંદજીવાલા) પેટલાદ , રાજ્યમાં વધુ એક અકસ્માતમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો. આણંદ જિલ્લાના તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ ખાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. મૃતક તમામ લોકો ઇકો કારમાં સવાર હતા. આ મામલે પોલીસે વધારે તપાસ આદરી છે.

કારમાં સવાર પરિવાર સુરતથી ભાવનગર જઈ રહ્યો હોવાની માહિતી મળી છે. કારમાં સવાર ૧૦ લોકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. મોતને ભેટેલો પરિવાર ભાવનગરનો હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ પાસે એક ટ્રકે સામેની બાજુથી આવીને એક ઈકો કારને અડફેટે લીધી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ ૧૦ લોકોનાં કમકમાટી ભર્યાં મૃત્યુ થયા હતા. આ બનાવ તારાપુર ચોકડીથી આશરે છ કિલોમીટર દૂર અંતરે બન્યો હતો. ટ્રક રાજકોટથી સુરત જઈ રહ્યો હોવાની માહિતી મળી છે. અકસ્માતનો ભોગ બનેલી ઇકો કાર તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનાં મૃત્યુ થયા હતા.

ટક્કર એટલી જાેરદાર હતી કે ઈકો કાર અડધી ટ્રક નચી ઘુસી ગઈ હતી. અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે. ટ્રકની ટક્કર બાદ ઈકો કારમાં સવાર લોકો કારમાં જ મૃત્યુને ભેટ્યા હતા. ઈકો કારમાં તમામ લોકોનાં મૃતદેહ એકની ઉપર એક પડ્યા હતા. આ દ્રશ્યો એવા ડરાવનારા હતા કે કઠણ કાળજાનો માણસ પણ કંપી ઉઠે.

અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે. અકસ્માત સર્જનાર ટ્રક અને કાર જામનગર આરટીઓમાં નોંધાયેલી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કારના ફૂરચા નીકળી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, સવારે ૬ થી ૬.૩૦ની વચ્ચે આ અકસ્માત બન્યો હતો.

ઇકો ગાડીને અકસ્માત નડ્યો હતો. ભાવનગરનો પરિવાર સુરતથી ભાવનગર ઈકો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો. ઈકો કારમાં એક જ પરિવારના ૧૦ સભ્યો હતા. ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત ૧૦ વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી છે. તારાપુરથી ૧૫ કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ભાવનગર તરફ જતી હતી અને ટ્રક બગોદરા તરફ આવતો હતો.

આ દરમિયાન અકસ્માત સર્જાતા કારમાં સવાર તમામ ૧૦ લોકોના મોત નિપજ્યા છે. જાેકે, હાલ આ પરિવાર કોણ છે તેની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોને તારાપુર રેફરર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ અકસ્માત તંત્રના વાંકે થયો હોવાનું કહી શકાય. અકસ્માત વાસદ બગોદરા હાઈવે પર સર્જાયો હતો, જેનું લાંબા વર્ષોથી રોડનું કામ ચાલી રહ્યુ છે. વિવાદોને કારણે ૬ લેન હાઈવેનું કામ ઠકેલપંચે ચાલી રહ્યું છે. જેથી વર્ષોથી એક જ સાઈડનો રોડ ચાલુ હતો. તેથી વહેલી સવારના અંધારામાં બે ગાડીઓ સામસામે ભટકાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.