અમેરિકામાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક છ લાખને પાર
વોશિંગટન: કોરોના વાયરસથી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે જેની અસર વર્તાઈ રહી છે. અહીં કોરોનાના લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૬ લાખને પાર થઈ ગઈ છે. જાેકે એવું પણ કહેવાય છે કે અહીં રસીકરણના લીધે મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મૃત્યુઆંક ૫ લાખથી ૬ લાખ પહોંચતા ૧૧૩ દિવસનો સમય લાગ્યો છે.
વર્લ્ડઓમીટર.કોમના આંકડા પ્રમાણે દુનિયાભરમાં કોરોનાના લીધે કુલ ૩૮,૩૮,૦૩૫ લોકોના મોત થઈ ગયા છે. જેમાં અમેરિકા પછી બીજા નંબરે ભારત આવે છે. આ પછી ત્રીજા નંબરે બ્રાઝિલ, ચોથા નંબર પર રશિયા અને પાંચમા નંબર પર યુકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઈડને ટિ્વટ કરીને જણાવ્યું કે, કોવિડ-૧૯ના કારણે ૬ લાખ લોકોનો જીવ ગયો છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, મારી સંવેદનાઓ તેમની સાથે છે.
મને ખ્યાલ છે કે ખાલીપો તમને ખાવા દોડી રહ્યો છે, પરંતુ એક સમય આવશે કે તેમની યાદ તમારી આંખોમાં આંસુ લાવે તે પહેલા તે તમારા હોઠો પર હાસ્ય લાવી દેશે. દુનિયામાં કોરોનાથી સંક્રમિત દેશોમાં સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અહીં જે રીતે ૫થી ૬ લાખ મોતનો આંકડો પહોંચતા ૧૧૩ દિવસનો સમય લાગ્યો તે પ્રમાણે એ પહેલા ૪થી ૫ લાખ મોત થતા ૩૫ દિવસ થયા હતા. મૃત્યુની ગતિમાં થયેલા ઘટાડાનું કારણ રસીકરણ મનાય છે.
જાન્યુઆરી દરમિયાન અમેરિકામાં કોરોના પીક પર હતો. અમેરિકામાં ભલે કોરોનાની ગતિમાં ઘટાડો થયો હોય પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધુ મોત અહીં જ થયા છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને લોકોને કોવિડ-૧૯ વેક્સીન લગાવવાનો આગ્રહ કરીને કહ્યું હતું કે વૈશ્વિક મહામારીના કારણે અમેરિકામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૬ લાખ થઈ ગઈ છે.
બાઈડને બ્રેસેલ્સમાં ઉત્તર એડલાન્ટિક સંઘ સંગઠન (નાટો)ની શિખર સંમેલન પછી સોમવારે પત્રકારો સાથે વાત કરીને કહ્યું હતું કે અમેરિકામાં સંક્રમણની સરેરાશ ટકાવારી અને તેનાથી થતા મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેનાથી ઘણાં લોકોના જીવ ગયા છે. જેના લીધે તેમણે કોરોનાને વાસ્તવિક આફત ગણાવી છે.