પવિત્ર રિશ્તા ૨.૦ : ૭ વર્ષ બાદ અંકિતા અર્ચના બનશે
મુંબઈ: પવિત્ર રિશ્તા સીરિયલનું નામ સાંભળતા જ આંખ સામે સુશાંત સિંહ રાજપૂતનો ચહેરો તરવરી ઉઠે છે. એકતા કપૂરની આ સીરિયલમાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે અનુક્રમે માનવ અને અર્ચનાનો રોલ કર્યો હતો. લગભગ ૧૫૦૦ એપિસોડનો આ શો ૨૦૦૯માં સૌથી પોપ્યુલર શો પૈકીનો એક હતો. આ જ સીરિયલે સુશાંતને ઘર-ઘરને જાણીતો ચહેરો બનાવ્યો હતો અને અંકિતા લોખંડેએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ૨૦૧૪માં આ શો બંધ થઈ ગયો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે પવિત્ર રિશ્તા ૨.૦ની તૈયારીઓ ચાલી રહી છે.
નવી સીઝનમાં અંકિતા લોખંડે જ અર્ચનાનો રોલ પ્લે કરશે ત્યારે સુશાંતે ભજવેલો માનવનો રોલ કયો એક્ટર કરશે તે અંગે અટકળો ચાલી રહી હતી. હવે પિંકવિલાના રિપોર્ટ અનુસાર, શોની પ્રોડ્યુસર એકતા કપૂરે પવિત્ર રિશ્તા ૨.૦નો કોન્સેપ્ટ ફાઈનલ કરી લીધો છે અને હવે શોનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, સૂત્રોએ જણાવ્યું કે, એક્ટર શહીર શેખને પવિત્ર રિશ્તા ૨.૦ માટે સાઈન કરવામાં આવ્યો છે.
શહીર આ શોમાં માનવનો રોલ કરશે. જ્યારે અંકિતા લોખંડે ૭ વર્ષ બાદ અર્ચનાના પાત્રમાં જાેવા મળશે. શો સાથે સંકળાયેલા અન્ય પાત્રોની કાસ્ટિંગ પણ ટૂંક સમયમાં જ થઈ જશે. જણાવી દઈએ કે, ગત વર્ષે સુશાંતના નિધન બાદ જુલાઈથી ચર્ચા ચાલી રહી છે કે, એકતા કપૂર અને અંકિતા લોખંડે ‘પવિત્ર રિશ્તા’ની નવી સીઝન દ્વારા સ્વર્ગસ્થ એક્ટરને શ્રદ્ધાંજલી આપવા માગે છે. ત્યારે શોની સ્ટોરી નક્કી કરવામાં એક વર્ષ જેટલો સમય નીકળી ગયો. મીડિયા રિપોર્ટનું માનીએ તો ‘પવિત્ર રિશ્તા ૨.૦ ઓટીટી પ્લેટફોર્મ પર આવશે.
જાેકે, એકતા કપૂર દ્વારા હજી આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૯માં સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ શરૂ થઈ હતી અને આ સીરિયલ સાથે અંકિતાનું કરિયર શરૂ થયું હતું. જાેકે, સુશાંત આ પહેલા એકતા કપૂરની સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં જાેવા મળ્યો હતો પરંતુ પ્રસિદ્ધિ ‘પવિત્ર રિશ્તા’એ અપાવી હતી.
જાેકે, ૨૦૧૧માં સુશાંતે આ શો છોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાને પ્રસ્થાપિત કરવાનો ર્નિણય કર્યો હતો. સુશાંતે આ શો છોડ્યા બાદ હિતેન તેજવાનીએ માનવનો રોલ કર્યો હતો. ત્રણ વર્ષ સુધી હિતેને માનવનો રોલ કર્યો હતો અને ૨૦૧૪માં સીરિયલ બંધ થઈ ગઈ હતી. હવે નવી સીઝનમાં શહીર શેખ ‘માનવ’ બનીને સુશાંત જેવો જાદુ ચલાવી શકે છે કે કેમ તે જાેવાનું રહેશે.