Western Times News

Gujarati News

રામાયણમાં આર્ય સુમંતનો રોલ ભજવનાર ચંદ્રશેખરનું નિધન

એક્ટરે ૨૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું, હીરો તરીકે પ્રથમ ફિલ્મ ‘સુરાગ’ હતી જે ૧૯૫૩માં રિલીઝ થઈ હતી

મુંબઈ, તા. ૧૬ વીતેલા જમાનાના બોલિવુડ એક્ટર ચંદ્રશેખરનું આજે નિધન થયું છે. તેમની ઉંમર ૯૭ વર્ષની હતી. તેઓ ટેલિવિઝન સીરિયલ ‘રામાયણ’માં આર્ય સુમંતનું પાત્ર ભજવવા માટે જાણીતા હતા. સીઆઈએનટીએએના અનિલ ગાયકવાડે એક્ટરના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, એક્ટરનું નિધન આજે સવારે ૭ કલાકે થયું હતું. આજે જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે.

જ્યારે સીઆઈએનટીએએના જાેઈન્ટ સેક્રેટરી અમિત બહેલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ‘તેમના નિધનથી મોટી ખોટ થઈ છે. આશા પારેખ, મિથુન ચક્રવર્તી, અમરીશ પુરી, અમઝદ ખાન અને રામ મોહનની સાથે ચંદ્રશેખર સરે સરકાર પાસેથી જમીન મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી, જ્યાં હાલ અમારી નવી બિલ્ડિંગ બની રહી છે. બિલ્ડિંગના લોકાર્પણ વખતે તેઓ હાજર રહેશે તેવી અમને આશા હતી, પરંતુ નસીબની યોજના કંઈક અલગ જ હતી.

ચંદ્રશેખરના દીકરા અશોકે જણાવ્યું કે, ‘મારા પિતાએ ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા. તેમને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા નહોતી. ગયા ગુરુવારે તેઓ એક દિવસ માટે હોસ્પિટલમાં રહ્યા હતા. અમે તેમને ઘરે લાવ્યા હતા અને જરૂર પડે તો ઓક્સિજન સહિતની તમામ સુવિધા રાખી હતી. તેઓ ગત રાતે ઠીક હતા. અંત શાંતિપૂર્ણ રહ્યો. આજે સાંજે ૪ કલાકે વિલે પાર્લેના પવન હંસમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે

સીનિયર એક્ટરે ૨૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. હીરો તરીકે તેમની પહેલી ફિલ્મ ‘સુરાગ’ હતી જે ૧૯૫૩માં રિલીઝ થઈ હતી. તેમણે ગેટવે ઓફ ઈન્ડિયા, ફેશન (૧૯૫૭), બરસાત કી રાત (૧૯૬૦) સહિતની કેટલીક ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે જાેવા મળ્યા હતા અને પોપ્યુલર થયા હતા.

તેમણે ૧૯૬૦માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘ચા ચા ચા’ને પ્રોડ્યૂસર તેમજ ડિરેક્ટ કરી હતી અને લીડ રોલ પણ ભજવ્યો હતો. હેલને આ ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો હતો. તેઓ ૧૯૮૫થી ૧૯૯૬ દરમિયાન સિને આર્ટિસ્ટ અસોસિએશન (સીઆઈએમટીએએ)ના પ્રમુખ રહ્યા હતા. ચંદ્રશેખર ટીવી એક્ટર શક્તિ અરોરાના દાદા હતા. ૨૦૧૯માં શક્તિએ તેમના સાથેની એક તસવીર પણ શેર કરી હતી. આ સાથે તેણે સ્વીટ કેપ્શન પણ લખ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.