મા તે મા બીજા વગડાના વા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/Abortion.jpg)
હે જનની ! હે જનની ! હે જનની ! મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે, જનની જાેડ સખી નહિ જડે રે લોલ.
અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલથી ભરેલા એનાં વેણ જાે-જનનીની.
-કવિ બોટાદકર
મા એક જ અક્ષરનો બનેલો શબ્દ છે જેનામાં ગજબની શક્તિ સમાયેલી છે. આ શબ્દ સાંભળવામાં મધુર લાગે છે. માની આંખમાં તથા તેના હાવભાવમાં મમતા રૂપી દરિયો દેખાય છે. નાનો શબ્દ છે અને તેમાં વિશાળ લાગણી રૂપી ડુંગરમાંથી રમતી-ભમતી હેત રૂપી નદીઓ વહેતી દેખાય છે.
તેનું બાળક તેના પ્રાણથી પણ વહાલો હોય છે. તેનું જતન કરવામાં તે કોઇ ખામી રાખતી નથી. પોતાના ધાવણમાંથી માંડીને પોતાના બાળકને ભણાવી-ગણાવીને સંસ્કાર સિંચન કરવામાં પાછી પડતી નથી. માના જીગરનો પોતાનો એક અંશ હોવાથી પોતાના માટે બાળક સર્વસ્વ છે. માતાનું હૃદય બાળકની પાઠશાળા ગણાય છે.
જ્યારે દીકરો ભવિષ્યમાં મોટો થઇને મહાન થાય તો પોતાનું નામ રોશન કરતા તેની માની છાતી ગદ્દ્ગદ્ ફુલી જાય છે તથા માનો આનંદ દિલમાં સમાતો નથી કારણ કે તે દીકરાએ તેની કૂખમાં જન્મ લીધો હોય છે. જાે પોતાનો દીકરો કદાચ સંજાેગાવશાત છોરુ કછોરુ બનીને નાપાક બની જાય ત્યારે તે માનું દિલ દ્રવી ઉઠે છે અને મા પોતાના કમનસીબની બલિહારી ગણે છે.
કહે શ્રેણુ આજ
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.
અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનના કાળજા, પથ્થર બનીને છુંદશો નહિ.
કાઢી મુખેથી કોળિયા, મોમાં દઇ મોટા કર્યા,
અમૃતતણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ.
મા ગર્ભસ્થ શિશુનું નવ નવ મહિના સુધી જીવની જેમ જતન કરે છે. અસહ્ય પ્રસવ પીડા વેઠીને મા શિશુને જન્મ આપીને અપેક્ષા વગર પોતાના ધાવણથી શિશુનું પોષણ કરે છે. મા સંતાનને પા પા પગલીથી માંડી પોતાના પગ પર ઉભા કરવા સુધી પોતાનું સુખ પણ નેવે મૂકીને રાત-દિવસ જાેયા વગર તેના જતનમાં વર્ષો વિતાવે છે.
મા સંતાનના મળમૂત્ર લૂછવામાં જરી પણ સંકોચ અનુભવતી નથી . સંતાનના સુખમાં પોતાનું સુખ સમાયેલું છે તે સુખ જાેવા માતા તલસતી હોય છે તથા સંતાનને પોતાના હૈયે વળગાડીને હૂંફ આપતા પોતાની જાતને ધન્ય માને છે. બાળક જ્યારે બોલતા શીખે છે ત્યારે તે પહેલવહેલો મા અથવા બા શબ્દનું ગુંજન કરે છે તે આત્મીય હોવાથી વહાલ ઉભરાય છે.
કહે શ્રેણુ આજ
સર્વ વસ્તુ મળે આ જગમાં, એક નહિ મળે મા,
ભીનેથી કોરે સુવડાવ્યા, ખાધુ નહિ તેને પેટ ભરી.
સાજે માંદે ખડે પગે રહી,સેવા અમારી ખૂબ કરી,
ખોળે બેસાડી ખેલાવ્યા, ને લાડે લડાવ્યા બહુ.
મીઠા કરી પંપાળ્યા અમને, હર્ષાશ્રુથી આંખ ભરી,
માની હુંફ હરતા ફરતા વીસરાય નહિ મા એક ઘડી.
માડી તારા ગુણ ઘણા છે,
ઋણ અદા ક્યારે કરીશું.
જે બાળક બાળપણથી જ મા વિહોણો બની જાય છે તેને માની મમતા શું છે તેનો ખ્યાલ હોતો નથી પરંતુ બીજાના દીકરા પ્રત્યેનો તેની માતાનો પ્રેમ જાેતા પોતે પોતાની મા ન હોવાનો અફસોસ કરતો રહે છે.
ઇશ્વર નિરાકાર છે, મા સાકાર છે. ઇશ્વર કલ્પના છે, મા હકીકત છે. ઇશ્વર શ્રધ્ધા છે, મા સાક્ષાત્કાર છે
મા બાળક પાસેથી કોઇ પણ અપેક્ષા વગર પોતાનાથી થતું અધિકમાં અધિક આપતી જ રહે છે અને કાંઇ જ આપ્યું નથી તેવું મા અનુભવતી હોય છે. મા ને લેખવી તથા આલેખવી એ માતૃત્વનું અમુલ્યન છે. જાણવાનું સર્જન નથી પણ માણવાનું સર્જન છે. મા એ અવલોકનનો વિષય નથી. મા એ માપવાનું તત્વ નથી. મા દિમાગનો વિષય નથી પણ દિલનો વિષય છે. મા રૂપી પાત્ર દેવા અને આપવા માટે જ સર્જાયેલું છે. હેતુ વગરનું હેત વરસાવતું આ જગતમાં એક માત્ર જીંવત પાત્ર હોય તો એ મા જ છે.
દુનિયાના લોકોથી અથવા સંજાેગોથી જ્યારે માનવી હતાશ થઇ જાય છે ત્યારે લગુતાગ્રંથીમાં મુકાઇ જાય છે પરંતુ ત્યારે પીઠ તથા માથા પર હાથ ફેરવીને સાંત્વન આપે તે મા જ છે.
માતાની આંતરડી કકળાવવી ન જાેઇએ અને સાથે સાથે તેની વેદનાના નિમીત્ત પણ ન બનવું જાેઈએ. બાળક આંગણામાં રમતું હોય ત્યારે કૂતરો કે બિલાડીને જાેઇને તે ડરી જાય છે પરંતુ જ્યારે મા ની ગોદમાં રહેલા બાળકની તદ્દન નજક કૂતરો કે બિલાડી આવી જાય ત્યારે તેને ડર ડરાવતો નથી કારણ કે તેને ડર લાગતો જ નથી. તે સમજે છે કે તેની મા રક્ષક તરીકે બેઠી છે તો શા સારુ ચિંતા? માની ગોદમાં જે હૂંફ મળે છે તે સોફામાં કે ગાદલામાં અથવા કોઇ પણ વ્યક્તિ કે પત્નિ પાસેથી પણ મળતી નથી.
બાળક જ્યારે નાનું હોય છે ત્યારે મા તેનું જતન કરે છે તો આ જ બાળક મટી પુરુષ બનતા માની સેવા કરવાની તેની ફરજ બની રહે છે. મા સુખનાં ગુણાકાર કરે કે ન કરે પરંતુ તેના દુખનાં ભાગાકાર તો અવશ્ય કરતી જ રહે છે.
આજના આ હડહડતા કળિયુગ જમાનામાં અમુક પરિવારમાં મા તરીકેની પોતાની ફરજ ચૂકીને સમાજમાં પોતાનો મોભો વધારવા બાળકનું જતન કરવાનો સમય ફાળવતી નથી. હાલમાં મોંઘવારી વધતા કે ધરમાં બેસી રહેવાનો કંટાળો આવતાં અમુક માતાઓ નોકરી કે વ્યવસાયમાં સક્રિય રહે છે
તથા પૈસે ટકે સુખી કે ગર્ભશ્રીંમત ઘરની વહુઓ પત્તા રમવા ક્લબોમાં, કીટી પાર્ટીઓમાં ભાગ લેવા, મંડળ કે સોશ્યલ ગ્રુપમાંસભ્યો બનીને પોતાનો શોખ પૂરો કરવા તથા સમય પસાર કરવાના બહાના હેઠળ બપોરથી સાંજ ઘરની બહા રહેતા હોવાથી પોતાના દીકરા તથા દીકરીની દેખભાળ કરવા આયા રાખીને તેની દેખરેખ નીચે અથવા બીજાના ભરોસે સોંપીને નચિંતે બહાર ફરતીરહે છે.
આજના આ જમાનામાં માતાએ પોતાની દીકરી જાેડે સખી બની રહેતા દીકરી પોતાના દિલની વાત ખુલ્લા દિલથી કરી શકે છે જેથી ભવિષ્યમાં દીકરી મા-બાપની વિરૂધ્ધ જવાની શક્યતા નહિવત રહે છે જેમાં દીકરીનું પણ હિત જળવાઇ રહેલું છે.
જ્યારે દીકરો બાળક મટીને કુમાર અવસ્થામાં આવતા લગ્ન કરીને પારકા ઘરની કન્યા પરણીને તેને પોતાની પત્નિ બનાવીને ઘરમાં લાવીને પછી પોતે માતાની મમતાને વીસરી જઇને માનું ધ્યાન રાખવામાં પીછેહઠ કરતા તે દીકરાએ પાણીમાં ડૂબી મરવું જાેઈએ.પોતાની માતાનો તેના પર કેટલા ઉપકાર છે તે તેને કદી ભૂલી જવું ન જાેઈએ.
પહેલાના જમાનામાં દીકરાઓ માની સાથે રસેતા હતાં પરંતુઆજના આ કળિયુગમાં દીકરાની આવક પર ર્નિભર રહેતી અમુક પરિવારમાં મા એ દીકરા અને વહુશસાથે મહેમાન બનીને રહેવાનો વારો આવ્યો છે તથા માના પ્રેમની કિંમત સાવ કોડી જેવી થઇ ગઇ છે. વર્ષો પહેલાં આદર તથા અધિકાર સાથે રહેતી અમુક માને આજે ઉપકાર અને અપમાન સાથે દિવસો વિતાવવનો વારો આવે છે.
માનવી સંજાેગાવશ કોઇ પણ કારણોસર હતાશા અનુભવે કે તેના પર દુઃખનો પહાડ તૂટી પડે ત્યારે લોકો આશ્વાસનના બે શબ્દ કહીને છટકી જાય છે પરંતું મા એક એવી છે જે તે તેના દીકરાના માથા પર વહાલ ભર્યો હાથ ફેરવીને હિમ્મત આપે છે. માના ફક્ત સ્પર્શમાં જ આશ્વાસન, હિમ્મત, દૂઆ તથા આર્શીવાદ સમાયેલા હોય છે. લોકોની નજરમાં દીકરો ઝીરો હોય પરંતુ માને માટે એ જ દીકરો હીરો જ રહે છે.
કહે શ્રેણુ આજ
મા આજ તું મુજ સમીપ રહી નથી હવે, આ જગતમહી,
સતાવે યાદ તારી હરઘડી, જ્યારથી છોડી તું મુજને આ જગતમાંથી
આપી જનમ મુજને તુજ કૂખે, ન ભૂલીશ ઉપકાર હું તારો કદી,
ભવોભવ તારી કૂખે મળે જનમ મુજને, જીવું એ આશા મહી.
માનવી તીર્થયાત્રા ન કરે તો ચાલે પરંતુ માતાને કરેલું વંદન પિતા તથા પ્રભુના વંદન કરતા પણ ચડિયાતું ગણાય છે. માની ગોદમાં જે હૂંફ મળે છે તેવી કોઇ જગ્યાએ મળતી નથી તથા જિંદગીનો મીઠો તથા મધુર વિસામો ગણાય છે.
કહે શ્રેણુ આજ
ભુલાય ના તારી સલાહ અને લાગણી મુજ પર,
ભૂલાય ના તારો ધરમ, દાન થા સંસ્કાર.
બની હતી તું મારો આધાર જીવનભર,
બની ગયો હું આજ તુજ વગર નિરાધાર.
કરતો હતો વંદન તારા જીવતા તુજને, હરરોજ જાગીને,
કરી રહ્યો છું વંદન આજે પણ, તુજ છબીને નીરખીને.
મા સેથેનો સંબંધ બાંધવાનો હોતો નથી જેથી બગાડવાનો કે તોડવાનો સવાલ જ ઉત્પન થતો નથી. જે સંબંધ બંધાતો હોય તે તૂટે. માનો સંબંધ જન્મથી જ અતુટ છે. મા વિના સંતાનનું અસ્તિત્વ અસંભવ છે. બધા સંબંધ વિના ચાલે પણ મા વિના? બીજા બધાને ભૂલી શકાય પરંતુ શું માને ભૂલી શકાય? ના… ના…ના….
કોઇ કારણોસર મા જાેડે અબોલા થયા હોય કે સંજાેગાવશ જુદા રહેવાનું થાય તો પણ દીકરા – દીકરીના મા-બાપ તરીકે કદી મટી શકવાના જ નથી. જ્યારે માણસને ઠોકર વાગે કે પડી જાય કે ઓચિંતુ દુઃખ આવી પડે તો કુદરતી રીતે ઓ માડી રે…. બોલાઇ જવાય છે ત્યારે ભાઇ બહેન કે પત્નિ કે મિત્ર યાદ નથી આવતાં.