પવન સાથે વરસાદ ખાબકતા સાકરીયા નજીક ઘરના પતરા ઉડી વીજતાર પર પડ્યા

અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે બુધવારે સાંજે અરવલ્લી જીલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી મોડાસા શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યુ હતું .ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં હતા. બુધવારે રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બફારા અને ઉકળાટથી જીલ્લાવાસીઓને રાહત મળી છે.મોડાસાના સાકરીયા-અમલાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ઘરના પતરા પણ ઉડી ગયા હતા વરસાદ શરૂ થતાની સાથે વીજળી વારંવાર ડૂલ થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા
અરવલ્લી જીલ્લામાં રાત્રીના સુમારે ગાજવીજ અને ભારે પવન સુસવાટા સાથે કેટલાક તાલુકાઓમાં વરસાદી ઝાપડુ પડયું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.મોડાસા શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા
સાકરિયા ગામ નજીક અમલાઈ રોડ પર તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવનથી કેટલાક ઘરના પતરા ઉડી નજીકમાં રહેલ વીજતાર અને ૨૫ ફૂટ થી વધુ દૂર આવેલા મંદીર પર પટકાયા હતા પતરા વીજતાર પર પડતાની સાથે ૬૬ કેવી વીજલાઈન ના વીજતાર પર પતરા પડતા શોર્ટશર્કિટ અને ભારે ધડાકા ભડાકા થતા પરિવારો ફફડી ઉઠ્યા હતા સદનસીબે જાનહાની ટળી હતી સમગ્ર વિસ્તારમાં વીજપ્રવાહ થોડો સમય ખોરવાઈ ગયો હતો ઘર નજીકથી પસાર થતી ૬૬ કેવી વીજલાઈન હટાવવા પરિવારે વીજતંત્ર પાસે માંગ કરી હતી