અરવલ્લી જિલ્લામાં ગંગાસ્વરૂપ વિધવા આર્થિક સહાયમાં છેલ્લા બે વર્ષમાં 22,034 મહિલાઓને લાભ

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સપ્ટેમ્બર 2019 થી મે 2021 સુધી ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં બાવીસ હજાર ચોત્રિસ મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપ વિધવા આર્થિક સહાય શરૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના રેવન્યુ તલાટી દ્વારા ઘરે ઘરે જઇને જરૂરિયાત મંદ મહિલાઓને સહાય આપવા માટે ખાસ ઝૂંબેશ શરૂ કરાઈ હતી, અને તેઓ સુધી સરકારી સહાય પહોંચાડવામાં આવી રહી છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન ખાસ ઝૂંબેશ અંતર્ગત મોડાસા તાલુકામાં 4083, માલપુરમાં 248, મેઘરજમાં 3040, ધનસુરામાં 3050, બાયડમાં 4330 મળી કુલ 22,034 જેટલી વિધવા મહિલાઓને સરકારની આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે
નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે “ઈન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ” ચલાવવામાં આવે છે