અક્ષયની ફિલ્મ પૃથ્વીરાજના ટાઇટલ ઉપર વિવાદ થયો
સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજનો શરુઆતથી જ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે
મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજનો શરુઆતથી જ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મના ટાઇટલનો વિરોધ કરી રહેલા લોકોએ આજે ચંદીગઢમાં અક્ષયનું પૂતળું સળગાવ્યું છે. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના સભ્યોએ ફિલ્મના શીર્ષકને બદલવાની માંગ કરી હતી. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ પણ કરણી સેનાની જેમ ફિલ્મના શીર્ષકમાં રાજાનું આખુ નામ ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ આપવાની માંગ કરી હતી. એક મહિના પહેલા કરણી સેનાએ પણ આ ફિલ્મના ટાઇટલને બદલવાની માંગ કરતાં તેનો વિરોધ કર્યો હતો.
કરણી સેનીએ એવી માંગ પણ કરી હતી રે ફિલ્મ રિલીઝ થાય એ પહેલા તેમના માટે ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવે કરણી સેના યુવા વિંગના પ્રમુખ અને ફિલ્મમેકર સુરજીત સિંહ રાઠોડે કહ્યું કે જાે તે અમારી સલાહ નહીં માને તો પરિણામ ભોગવવું પડશે. ઉલ્લેખનીય છે કે, સંજય લીલી ભંસાલીએ પણ ભારે વિરોધ પછી તેમની ફિલ્મનું ટાઇટલ બદલવું પડ્યું હતું.
બીજી તરફ અક્ષયની ફિલ્મના મેકર્સ આ સંગઠનોની માંગ સ્વીકારવા તૈયાર નથી. માનવામાં આવે છે કે પરિસ્થિતિઓ અનૂકુળ રહી તો દિવાળી પર ‘પૃથ્વીરાજ’ રિલીઝ થઇ શકે છે. અક્ષય કુમારે ૨૦૧૯માં પોતાના જન્મદિવસે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં માનુષી છિલ્લર પણ જાેવા મળશે. માનુષી આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયુક્તાનો રોલ નિભાવશે. આ ફિલ્મનું ડાયરેક્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે જ્યારે આદિત્ય ચોપડા પ્રોડ્યુસર છે.