સાવધાન ઈન્ડિયાની અભિનેત્રીઓ ચોરીનાં માર્ગે, પોલીસે ધરપકડ કરી
મુંબઇ: આપણને ઘણીવાર એવા સમાચાર સાંભળવામાં મળે છે કે ટેલિવિઝનમાં ચાલતી કેટલીક સિરિયલો જાેયા પછી, સામાન્ય લોકો ગુના કરવાની યોજના બનાવે છે. પરંતુ હાલમાં સામે આવેલો કિસ્સો આવી સિરીયલોમાં કામ કરતી અભિનેત્રીઓથી જાેડાયેલો છે.
મળતી માહિતી મુજબ મુંબઇ પોલીસે સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ ટીવી શો માં કામ કરતી અભિનેત્રીઓની ધરપકડ કરી છે. બંને અભિનેત્રીઓનું કહેવું છે કે લોકડાઉનનાં કારણે શૂટિંગ ચાલી રહ્યું ન હતું, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી હતી. તેમની પાસે કોઇ કામ નહોતું તેથી તેમણે ચોરી કરવાનું પસંદ કર્યુ. બંને અભિનેત્રીઓ કહે છે કે અમે ભૂલ કરી છે, પરંતુ તે અમારી મજબૂરી હતી કારણ કે અમારી પાસે પૈસા બચ્યા નથી.
પોલીસની પૂછપરછ દરમ્યાન બંનેએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જાેકે તેના આ રહસ્યનો ખુલાસો મુંબઇની આરે કોલોનીમાં રહેતા મકાનમાં થયેલી ચોરી બાદ થયો હતો.
તે બંનેએ આ મકાનમાં પેઇંગ ગેસ્ટ બનીને ગઇ હતી અને તે જ સમયે તે મકાનમાં પહેલેથી હાજર પેઇંગ ગેસ્ટનાં લોકરમાંથી રૂપિયા ૩,૨૮,૦૦૦ લઈને રફૂચક્કર થઇ ગઇ હતી. ચોરી થયા બાદ પેઇંગ ગેસ્ટ અને મકાન માલીકે પોલીસને સમગ્ર મામલે માહિતગાર કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા પછી જાણવા મળ્યું કે, એક સાથે રહેતી પેઇંગ ગેસ્ટ અને પ્રખ્યાત ટીવી શો સાવધાન ઈન્ડિયાની અભિનેત્રીઓએ આ ચોરી કરી હતી. આક્ષેપોની પુષ્ટિ થયા પછી પોલીસે બંને અભિનેત્રીઓની ધરપકડ કરી હતી. આ સાથે તેમની પાસેથી રૂપિયા ૫૦ હજારની રોકડ, એક લેપટોપ અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, પોપ્યુલર શો ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિવાય બંનેએ ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. પોલીસની પૂછપરછ દરમ્યાન બંનેએ ચોરીની કબૂલાત કરી છે. પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી હતી, ત્યારબાદ કોર્ટે બંનેને ૨૩ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે.