દેશમાં ૭૩ દિવસ બાદ એક્ટિવ કેસ ૮ લાખથી ઓછા નોંધાયા
નવીદિલ્હી: કોરોના વાયરસના હાહાકારનો સામનો કરી રહેલા ભારતવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. શુક્રવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં ૭૩ દિવસ બાદ કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૮ લાખથી નીચે નોંધાઈ છે. બીજી રાહતની બાબત એ છે કે રોજેરોજ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સંક્રમિત દર્દીઓની સાજા થવાની સંખ્યા વધતા દેશનો કોવિડ રિકવરી રેટ સુધરીને ૯૬ ટકા થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવાર ૧૮ જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૨,૪૮૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૫૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૭,૬૨,૭૯૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૬,૮૯,૬૦,૩૯૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૫ લાખ ૮૦ હજાર ૬૪૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૮૮,૯૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૭,૯૮,૬૫૬ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૩,૪૯૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮,૭૧,૬૭,૬૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૯,૨૯,૪૭૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે