દેશનાં ૩ રાજ્યોમાં મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા
નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, શુક્રવારે સવારે દેશનાં ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સાંજે જમ્મુ-કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
શુક્રવારે જુદા જુદા સમયે શુક્રવારે દેશનાં ૩ પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તેમાં આસામનાં સોનીતપુર, મણિપુરનાં ચંદેલ, મેઘાલયની પશ્ચિમ ખાસી હિલ્સનાં ક્ષેત્રનો સમાવેશ થાય છે. નેશનલ સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ સવારે ૪.૨૦ વાગ્યે મેઘાલયની પશ્ચિમ ખાસી હિલ્સમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૨.૬ માપવામાં આવી હતી. આસામનાં સોનીતપુરમાં રાત્રે ૨ વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. અહીં તેની સૌથી વધુ તીવ્રતા ૪.૧ માપવામાં આવી હતી. મણિપુરનાં ચંદેલમાં રાત્રે ૧.૦૬ વાગ્યે ૩.૦૪ ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.
આ પહેલા ગુરુવારે ૧૧ દિવસમાં બીજી વખત જમ્મુ-કાશ્મીરમાં સાંજે ૭.૪૯ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૮ માપવામાં આવી. અત્યાર સુધી જૂન મહિનામાં જમ્મુમાં ત્રણ વખત ભૂકંપ આવી ચુક્યો છે. આ અગાઉ ૬ જૂને, ૨.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ અગાઉ ૩૧ મેનાં રોજ રાત્રે ૯ઃ૫૪ વાગ્યે રાજધાની દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર રાજધાનીનાં રોહિણી વિસ્તારમાં નોંધાઈ હતી. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૪ માપવામાં આવી હતી. તે ઓછી તીવ્રતાનો ભૂકંપ હતો. તેનું કેન્દ્ર જમીનની અંદર ૮ કિ.મી. હતું. આને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં સમાચાર મળતાની સાથે જ લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા.