રાજસ્થાનમાં અશોક ગેહલોત મતલબ કાૅંગ્રેસ,પાયલટ સમર્થકો ભડક્યા
જયપુર: રાજસ્થાનમાં કાૅંગ્રેસ પાર્ટીની અંદર ઘમાસાણ થંભવાનું નામ નથી લઈ રહ્યું. અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યું છે. ગુરૂવારના અશોક ગેહલોત જૂથ તરફથી અપક્ષ ઉમેદવાર મહાદેવ સિંહ ખંડેલાએ પ્રેસ કૉન્ફરન્સ કરી જેમાં તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં અશોક ગેહલોત જ કાૅંગ્રેસ છે. મહાદેવ સિંહ ખંડેલા બોલ્યા કે, સચિન પાયલટને કાૅંગ્રેસે જેટલું માન-સન્માન આપ્યું છે એ ક્યાંય ના મળ્યું હોત, પરંતુ સચિન પાયલટે જે પાર્ટીની સાથે કર્યું એ નહોતું કરવું જાેઇતું.
તેમણે કહ્યું કે, સચિન પાયલટે ખભાથી ખભો મિલાવીને રાજસ્થાનની જનતા માટે કામ કરવું જાેઇતુ હતું. સરકાર અશોક ગેહલોતના કારણે બની હતી અને તેઓ જ મુખ્યમંત્રી રહેશે. અશોક ગેહલોત જૂથ તરફથી જ્યારે આવો હુમલો કરવામાં આવ્યો, ત્યારે પાયલટ જૂથ તરફથી વળતો પ્રહાર કરવામાં આવ્યો. કાૅંગ્રેસ નેતા સુભાષ મીલે વળતો પ્રહાર કરતા કહ્યું કે, જેમણે કાૅંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી લડી હતી તેઓ કઈ રીતે આવી સલાહ આપી શકે છે.
સુભાષ મીલે કહ્યું કે, કાૅંગ્રેસ પાર્ટીએ મહાદેવ સિંહ ખંડેલાને ધારાસભ્ય, સાંસદ અને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. ચૂંટણી હારવા પર પણ ટિકિટ આપીને સાંસદ અને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. પછી ચૂંટણી હાર્યા તો દીકરાને ટિકિટ આપી. દીકરાના હારવા પર રાહુલ ગાંધીના યુવાઓને આગળ લાવવાના પ્લાન પર કાૅંગ્રેસે મને ટિકિટ આપી, તો પાર્ટીથી બળવો કરીને ચૂંટણી લડ્યા. તેમણે કહ્યું કે, ટિકિટ ના મળવા પર કાૅંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ જ ઉતરી ગયા હતા. આવા નેતાઓએ સચિન પાયલટને સલાહ આપતા પહેલા પોતાનામાં જાેવું જાેઇએ.