Western Times News

Gujarati News

એક લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તૈયાર કરવાની ઝૂંબેશ

Files Photo

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ૨૬ રાજ્યોના ૧૧૧ ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-૧૯ હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આગામી પડકારોનો સામનો કરવા માટે આપણે તમામ સાવધાનીઓ સાથે દેશની તૈયારીઓને આગળ વધારવી પડશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે દેશમાં આશરે ૧ લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે, કોરોનાની બીજી લહેરમાં આપણે જાેયું કે આ વાયરસનું વારંવાર બદલાઈ રહેલું સ્વરૂપ આપણા સામે કયા પ્રકારના પડકારો લાવી શકે છે, આ વાયરસ હજુ પણ આપણા વચ્ચે જ છે અને તેના મ્યુટેડ થવાની સંભાવના હજુ પણ રહેલી જ છે.

વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારીએ સાયન્સ, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિ તરીકે આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરવા આપણને સતર્ક કર્યા છે, કોરોના સામે લડી રહેલી વર્તમાન ફોર્સને સપોર્ટ કરવા માટે દેશમાં આશરે ૧ લાખ યુવાનોને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, આ કોર્સ ૨-૩ મહિનામાં જ પૂરો થઈ જશે.

આ અભિયાન દ્વારા કોવિડ સામે લડી રહેલી આપણી હેલ્થ સેક્ટરની ફ્રન્ટલાઈન ફોર્સને નવી ઉર્જા પણ મળશે અને આપણા યુવાનો માટે રોજગારના નવા અવસર પણ સર્જાશે. છેલ્લા ૭ વર્ષમાં દેશમાં નવી એઈમ્સ, નવી મેડિકલ કોલેજ, નવી નર્સિંગ કોલેજના નિર્માણ પર ભાર આપવામાં આવ્યો છે જેમાંથી ઘણાએ કામ શરૂ પણ કરી દીધું છે.

ફ્રન્ટલાઈન વર્કર્સના વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેઈનિંગ, સ્કિલ ઈન્ડિયાનું સર્ટિફિકેટ, ભોજન અને આવાસની સુવિધા, કામ પર પ્રશિક્ષણ સાથે સ્ટાઈપેન્ડ અને પ્રમાણીત ઉમેદવારોને ૨ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો પ્રાપ્ત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.