Western Times News

Gujarati News

ગેમ્સ સ્પોન્સર્સના ઉત્પાદનો હટાવનારા ખેલાડીને દંડ કરાશે

લંડન: હાલમાં ચાલી રહેલા યુરો કપ દરમિયાન પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેના માઈકની આગળ રહેલા બે કોકાકોલાની બોટલ હટાવી દીધી હતી. જેના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જેના કારણે હવે યુરો કપનુ સંચાલન કરતી સંસ્થા યુઈએફએ એ ખેલાડીઓને ચેતવણી આપી છે કે જાે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોની જેમ સ્પોન્સર્સના ઉત્પાદનોને હટાવશે તો તેમના પર દંડ ફટકારવામાં આવશે.

સોમવારે પોર્ટુગલના સુકાની રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોકાકોલાની બે બોટલો ટેબલ પરથી હટાવી દીધી હતી. તેણે ત્યાં રહેલી પાણીની બોટલ ઉઠાવીને લોકોને પાણી પીવા પ્રોત્સાહન આપતા એક્વા કહ્યું હતું. ત્યારબાદ મુસ્લિમ ધર્મ પાળતા ફ્રાન્સના ફૂટબોલર પોલ પોગ્બાએ રોનાલ્ડોની જેમ પ્રેસ કોન્ફરન્સમાં બીયરની બોટલ ટેબલ પરથી હટાવી દીધી હતી.

યુઈએફએ એ કહ્યું હતું કે, યુઈએફએ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોને યાદ અપાવે છે કે સ્પોન્સર્સની ભાગીદારી ટુર્નામેન્ટનો અભિન્ન ભાગ છે. યુરો-૨૦૨૦ ટુર્નામેન્ટના ડાયરેક્ટર મર્ટિન કાલેને કહ્યું હતું કે, ખેલાડીઓ તેમના ફેડરેશન સાથે ટુર્નામેન્ટના નિયમો પાળવા માટે બંધાયેલા છે.

જાેકે, તેમણે કહ્યું હતું કે પોગ્બાએ બીયરની બોટલ હટાવી તેનું કારણ તેઓ સમજે છે કે ઈસ્લામમાં આલ્કોહોલના સેવન પર પ્રતિબંધ છે. પરંતુ તેણે તે પણ કહ્યું હતું કે ખેલાડીઓ બોટલોને હટાવી શકે નહીં તે માટે તેઓ બંધાયેલા છે અને જાે તેઓ આવું કરતા રહેશે તો તેમને દંડ ફટકારવામાં આવી શકે છે.

યુઈએફએ તરફથી અમે ખેલાડીઓને પ્રત્યક્ષ રીતે દંડ ફટકારતા નથી, અમે હંમેશા ટુર્નામેન્ટમાં ભાગ લેનારા નેશનલ ફેડરેશન દ્વારા તેમને દંડ ફટકારીએ છીએ. અમે ભાગ લેનારા ફેડરેશન સાથે નિયમો અંગે કરાર કરેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.