શંખેશ્વર ૧૦૮ જૈન તીર્થના ૩૩ જૈનમુનિશ્રીઓએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો
માહિતી બ્યુરો, પાટણ, કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ધીમે-ધીમે ઘટી રહ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર ૧૦૮ જીનાલયના જૈનમુનીશ્રીઓએ રસીનો પ્રથમ ડોઝ લઈ રસીકરણનો સંદેશ આપ્યો છે.
હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયજૂથના લોકોને કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ ચાલાવવામાં આવી રહ્યો છે. જેમાં પાટણ જિલ્લાના યુવાનો રસીકરણ માટે ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે. આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જૈનમુનીશ્રીઓએ પણ રસી લઈ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલા જૈન ધર્મના મહાતીર્થ એવા ૧૦૮ જૈન તીર્થ ખાતે ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૩૩ જેટલા જૈનમુનીશ્રીઓએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
૧૦૮ જૈન તીર્થ દ્વારા રસીકરણ માટેની વ્યવસ્થા કરવા વહિવટી તંત્ર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પગલે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા જિનાલય પરિસર ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ અનેક લોકો રસીકરણ અંગે ભ્રામક માન્યતાઓ ધરાવે છે ત્યારે શંખેશ્વર જૈન તીર્થના જૈનમુનીશ્રીઓએ રસી લઈ સુરક્ષિત રસીકરણનો સંદેશ આપ્યો છે.