વડોદરા-અમદાવાદ હાઇવે પર જીપ-ટ્રક ટકરાતાં ૩નાં મોત
વડોદરા: અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ પાસે શ્રમજીવીઓને લઇને જતી જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ૩ લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૬ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મહીડા, મેડા અને મોરી પરીવારનાં ૧૯ વ્યક્તિઓ તુફાન જીપમાં મોરબી મજુરી કામ અર્થે જઇ રહ્યા હતા. જેમાં તેમની સાથે તેમનો પરિવાર પણ હતો. જેમાં પાંચથી છ બાળકો પણ હતા.
દરમિયાન મધરાતે એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ નજીક આગળ જઇ રહેલી ટ્રકમાં શ્રમજીવીઓ સવાર તુફાન જીપ ધડાકા સાથે અથડાઇ હતી. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. અકસ્માતના પગલે ૧૬ લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.
તમામને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અત્રે નોંધનીય છે કે, ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યાની ઘટનાને શાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર અકસ્માત થયો હતો. અકસ્માતનાં પગલે થોડા સમય માટે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફીક જામ સર્જાયો હતો.