Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા ઓનલાઈન શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૧ મો અંતર્ધાન દિન ઉજવાશે

ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા. – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ર૦ જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૧ મો અંતર્ધાન દિન મહંત શ્રી આનંદપ્રિયદાજી સ્વામીની પ્રેરણાથી રાત્રે ૮ – ૦૦ થી ૧૦ – ૦૦ સુધી ઓનલાઈન ઉજવાશે. જેનું પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી હરિવલ્લભદાસજી સ્વામી દ્વારા કીર્તનભક્તિ યોજાશે.આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર ઉદબોધન કરશે.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાળીયા ગામમાં જે લીલા કરી હતી તે પ્રસંગનું શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી દ્વારા વર્ણન કરવામાં આવશે અને આ પ્રસંગને ભજવવામાં આવશે.

આ પ્રસંગે અબજીબાપાની વાતોની પારાયણ યોજાશે. અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાજી સ્વામીશ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન અંગે જીવન સંદેશો આપશે.

આજ રોજ સવારે ૯ – ૦૦ વાગે વૃક્ષારોપણ કરવામાં આવશે અને જે ભક્તોને પોતાના ઘરે વૃક્ષારોપણ કરવું હોય તે માટે વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો માત્ર ર૮ વર્ષના સમયગાળામાં કર્યા છે.

શ્રી સ્વામિનારાણ ભગવાને ૭ સાત વર્ષ દરમ્યાન ૧ર૦૦૦ કિ.મીનું વિચરણ કરી અનેકના કલ્યાણ કર્યા.શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં દિવો ત્યાં દાતણ નહિ એ ન્યાયે ચારિત્ર્યશીલ સમાજ ઘડવા માટે સુકાન સંભાળ્યું અને જોબનપગી, વેરાભાઈ આદિ ખૂનખાર લૂંટારાઓને પોતાના આશ્રિત કરી હાથમાં બંદૂકને બદલે માળા આપી.

બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ આદિ પ્રથાઓને નાબૂદ કરી.પતિ પાછળ સતિ થવાનો રિવાજ તેવી કુપ્રથાને નાબૂદ કરી.સ્ત્રીને ભગવાન ભજવાનો સમાન અધિકાર અપાવ્યો. અહિંસામય યજ્ઞો બંધ કરાવી જેતલપુર અને ડભાણ આદિ અનેક સ્થળોએ અહિંસામય યજ્ઞ કરાવ્યા.

વ્હેમ, અંધશ્રધ્ધાનાં જાળાં તોડી દારૂ, માંસ, ભાંગ, તમાકુ, ગાંજો આદિ વ્યસનોથી પીડાતા જનોને મુક્તિ આપી આર્થિક રીતે પણ સુખી કર્યાં.

આ રીતે હળાહળ કળિયુગમાં સત્યુગધર્મની સ્થાપના કરી અને ભક્તોને મંત્ર જાપ કરવા માટે ‘સ્વામિનારાયણ’ નામ આપ્યું. માત્ર ૨૮-૨૯ વર્ષના ટૂંકા ગાળામાં આખા ભારતદેશની રોનક બદલી. જનસમાજ સદાય સુખી અને સમૃદ્ધ બને તે માટે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગિજીવન આદિ અનેક શાસ્ત્રો આપ્યાં છે.

અનેક સંતો બનાવ્યા જેથી જનસમાજને સાચું માર્ગદર્શન મળી રહે. ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા છે,જેથી આજેય નિરંતર ભક્તિના નાદ ગુંજતા રહે છે. આમ,શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો કર્યા છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન ૧૯૧ વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધાન થયા હતા.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.