છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૩,૨૫૬ કેસ

Files Photo
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૮ લાખ ૪૪ હજાર ૧૯૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે
નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હોય તેવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. ૮૮ દિવસ બાદ કોરોના સંક્રમિત થનારા લોકોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. બીજી મોટી રાહતની બાબત કોરોના દર્દીઓની ઘટતી સંખ્યા છે. હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૭ લાખે પહોંચી ગઈ છે. ભારતમાં કોવિડ રિકવરી રેટ સુધરીને ૯૬.૩૬ ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૩,૨૫૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૪૨૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૯,૩૫,૨૨૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૮,૦૦,૩૬,૮૯૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૮ લાખ ૪૪ હજાર ૧૯૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૭૮,૧૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૭,૦૨,૮૮૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૮,૧૩૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૯,૨૪,૦૭,૭૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૩,૮૮,૬૯૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૮૫ કેસ નોંધાયા છે.
જેની સામે ૬૫૧ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૪ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૩૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૦૪ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૨૦,૬૮,૩૦૨ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૩૮, સુરતમાં ૪૦, વડોદરામાં ૨૧, રાજકોટમાં ૧૦, જૂનાગઢમાં ૧૫, ગીર સોમનાથ, દ્વારકામાં ૮-૮, આણંદ, સાબરકાંઠા, વલસાડમાં ૫-૫, બનાસકાંઠા, ખેડા, કચ્છ, જામનગર, નવસારીમાં ૪-૪, પોરબંદરમાં ૩, ભરુચમાં ૨, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, મહીસાગર અને નર્મદામાં ૧-૧ સહિત કુલ ૧૮૫ કેસ નોંધાયા છે.