દર કલાકે ૮ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાઈ
અમદાવાદ: શહેરે કોરોના મહામારીની બે ખતરનાક લહેર જાેઈ હોવા છતાં અને હજારો લોકોના ભોગ લેવાયો હોવા છતાં, અમદાવાદીઓએ કોરોના પ્રોટોકોલ તોડવાનું યથાવત્ રાખ્યું છે અને પોલીસકર્મીઓ દ્વારા ઝડપાઈ રહ્યા છે. ઉલ્લંઘન કરનારાઓની અટકાયત કરવાના કુલ આંકડાઓનું વિસ્તૃત વિશ્લેષણ સૂચવે છે કે, ૨૦૨૦માં લોકડાઉન લાગુ કરાયું ત્યારથી દર એક કલાકે આઠ અમદાવાદીઓ પોલીસ દ્વારા કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ઝડપાયા હતા. જેમાં માસ્ક ન પહેરવાના નિયમોનો સમાવેશ થતો નથી. ૧૯ જૂન સુધીમાં, કોવિડના નિયમોના ઉલ્લંઘનના ૭૩,૮૬૭ કેસ નોંધાયા હતા, આ ગુનાઓમાં ૮૨,૬૯૬ વ્યક્તિ ઝડપાયા હતા,
તેમ શહેર પોલીસના આંકડા સૂચવે છે. આનો અર્થ એ થયો કે, દરરોજ સરેરાશ ૧૮૧ લોકો કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયા હતા. ગયા વર્ષે ૧૯ માર્ચે કોવિડ-૧૯નો પહેલો કેસ નોંધાયો ત્યારથી ૧૯ જૂન, ૨૦૨૧ સુધીમાં કુલ ૨.૩૦ લાખ કેસ શહેરમાં નોંધાયા હતા, તેનો અર્થ એ થયો કે શહેરમાં દર એક કલાકે કોવિડ-૧૯ના ૨૧ જેટલા કેસ નોંધાયા હતા. રાતે રખડવા સિવાય, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરતાં નથી.
ખાસ કરીને વેપારીઓ, નાના દુકાનદારો અને ફેરિયાઓ કોવિડના નિયમોનું પાલન ન કરતાં પકડાયા હતા. કોવિડ-૧૯ના કેસની વાત કરીએ તો, કેસમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં રવિવારે (છેલ્લા ૨૪ કલાકમાં) ૩૮ કેસ નોંધાયા હતા, જે રાજ્યમાં સૌથી વધારે હતા. ગુજરાતમાં કુલ ૧૮૫ નવા કેસ નોંધાયા હતા અને ૬૫૧ દર્દીઓ સાજા થયા હતા.