ત્રણ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં આંદોલનનો અંત લાવીશું નહીંઃ રાકેશ ટિકૈત

નવીદિલ્હી: કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા પસાર થયા બાદ, ખેડૂતો આ કાયદાઓને લઇને નારાજ છે. આવી સ્થિતિમાં કાયદાઓ પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા ૭ મહિનાથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીનાં જુદા જુદા બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે.
એક તરફ ખેડૂતો તેમની માંગ પર અડગ છે, અને બીજી તરફ કેન્દ્ર સરકાર તેની વાત પર અડગ છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી આ ત્રણ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલનનો અંત લાવીશું નહીં. આ સાથે તેઓ એમએસપી પર કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, કેન્દ્રનું કહેવું છે કે કાયદા પાછા ખેંચવામાં આવશે નહીં,
પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરી શકાય છે. દરમ્યાન કેન્દ્રનાં ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા અને ભારતીય કિસાન સંઘનાં રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતે રવિવારે સરકારને ધમકી આપી છે. ટિકૈતે બેબાક રીતે કહ્યું છે કે, હવે સરકારનો ઈલાજ કરવો પડશે. ખેડૂત નેતાએ તેમના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ આંદોલનને વધુ તીવ્ર બનાવવાનું કહ્યું છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે સરકાર માનવાની નથી. સારવાર તો કરવી જ પડશે. ટ્રેક્ટર સાથે તમારી તૈયારી ચાલુ રાખો. જમીન બચાવવા આંદોલન વધુ તીવ્ર બનાવવું પડશે મહત્વનું છે કે, ૨૬ નવેમ્બરથી ખેડૂત સંગઠનો દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે અને નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. વિરોધને સમાપ્ત કરવા અને કાયદામાં પરિવર્તન લાવવા સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ વાતો નિષ્ફળ રહી હતી. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સરકાર અને ખેડૂત વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ૨૨ જાન્યુઆરીએ વાતચીતનો છેલ્લો રાઉન્ડ યોજાયો હતો અને ત્યારથી વાટાઘાટોનો માર્ગ બંધ રહ્યો છે. હવે જાેવાનુ રહશે કે આ આંદોલનનું આગળ શું થાય છે.