Western Times News

Gujarati News

મેરઠની બાળકીને ૧૬ કરોડનું ઈન્જેક્શન મફત મળી શકશે

Files Photo

મેરઠ: ઈશાની હજુ તો થોડા મહિનાની જ હતી અને તેના માતાપિતાને અનુભવાયું કે તે અન્ય બાળકો કરતાં અલગ છે. તેની માંસપેશીઓ નબળી હતી. શરીર પર તેનું નિયંત્રણ નહોતું. પરેશાન થઈને માતા-પિતા તેને ડોક્ટર્સ પાસે લઈ ગયા. ડોક્ટરોએ ઘણી તપાસ કરી અને જાણવા મળ્યું કે ઈશાની દુર્લભ બીમારી સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડાય છે. સ્પાઈનલ કોર્ડમાં નર્વ્સ સેલ્સ ના હોવાને કારણે આ બીમારી થાય છે.

ઉત્તરપ્રદેશના મેરઠમાં રહેતા અભિષેકને જ્યારે દીકરીની આ બીમારી વિષે જાણકારી મળી તો તેઓ ચોંકી ગયા. તેમણે જણાવ્યું કે, તે માત્ર ૧૮ મહિનાની હતી જ્યારે અમને ખબર પડી કે તે સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફીથી પીડિત છે. તેની આગળ આખું જીવન હજી હતું. ઉલ્લેખનીય છે કે આ બીમારીની સારવાર માટે એક સિંગલ શોટ ઈન્જેક્શન ઉપલબ્ધ છે

જેનું નામ ઝોલગેન્સ્મા છે. પરંતુ આ ઈન્જેક્શન દુનિયાનું સૌથી મોંઘું ઈન્જેક્શન છે, જેની કિંમત ૧૬ કરોડ રુપિયા છે. જાે તેમાં ટેક્સની રકમ ૬ કરોડ રુપિયા ઉમેરવામાં આવે તો તેની કિંમત લગભગ ૨૨ કરોડ રુપિયા થઈ જાય છે.
મધ્યમ વર્ગીય પરિવાર માટે આટલી મોટી રકમ એકઠી કરવી અશક્ય હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેમણે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરુ કરાવનો ર્નિણય લીધો. અભિષેકે જણાવ્યું કે, અમે એક ભારતીય પરિવાર વિષે સાંભળ્યુ હતું

જેમણે આ બીમારીની સારવાર માટે ક્રાઉડ ફંડિંગની મદદ લીધી હતી. પરંતુ ઈશાનીના માતા-પિતા માટે આ રસ્તો ઉપયોગી સાબિત ના થયો. ત્રણ મહિનામાં તેઓ માત્ર ૬ લાખ રુપિયા જ ભેગા કરી શક્યા. દીકરીની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અભિષેકે દિલ્હીમાં પોતાની નોકરી પણ છોડવી પડી. ઈશાની ઓગષ્ટમાં બે વર્ષની થવાની છે અને

આ ઈન્જેક્શન બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવે છે. સારવાર કરવામાં ના આવે તો બાળકનું બોલવાનું, ચાલવાનું, શ્વાસ લેવાનું વગેરે કાર્યો પ્રભાવિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈશાનીની સારવાર એઈમ્સ દિલ્હીમાં ચાલી રહી હતી. પરિવારની આશા નિરાશામાં પરિવર્તિત થઈ રહી હતી અને એક સમાચારે તેમને ખુશ કરી દીધા.

જૂનના પહેલા અઠવાડિયામાં એઈમ્સથી સૂચના મળી કે ઈશાનીને વિનામૂલ્યે દવા મળશે. ઈશાનીને ૧૭ જૂનના રોજ દવા આપવામાં આવી અને આગામી છ મહિના સુધી તે આઈસોલેશનમાં રહેશે. અભિષેકે નક્કી કર્યું કે સારવાર માટે એકત્રિત કરવામાં આવેલા પૈસાને આ બીમારીથી પીડાઈ રહેલા અન્ય પરિવારોને દાનમાં આપશે. ઉલ્લેખનીય છે કે નોવાર્ટિસની લોટરીમાં નામ આવવાને કારણે ઈશાનીને આ ઈન્જેક્શન મળ્યુ હતું. નોવાર્ટિસ આ ઈન્જેક્શનના ૧૦૦ ડોઝ મફતમાં વહેંચે છે. આ સંસ્થા લોટરીના માધ્યમથી બાળકોના નામ સિલેક્ટ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.