પરિણીતાને પિયરમાં મોકલી પતિ તેમજ સાસુ-સસરા અમેરિકા ફરાર
અમદાવાદ, જુહાપુરામાં રહેની પરિણીતાને પિયરમાં મોકલી પતિ તેમજ સાસુ-સસરા અમેરિકા જતાં રહ્યાં છે. પરિણીતાને સાસુએ કહ્યું કે હવે તું છુટાછેડા આપી દેજે. હવેથી તારો પતિ વાત નકી કરી શકે. આમ કહેતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
જુહાપુરામાં રહેતી ૩ર વર્ષીય પરિણીતાએ પતિ તેમજ સાસરિયા વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના લગ્ન ર૦૧૭માં મહંમદઅલી શેખ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયાં છે. પરિણીતાનો પતિ અમેરિકામાં કેશિયર તરીકે કામ કરે છે.
પરિણીતાના લગ્ન બાદથી જ ઘરકામ બાબતે નાની નાની વાતમાં બોલાચાલી કરી તેને તેનાં સાસરિયાં પરેશાન કરતાં હતા. તેને કહેતાં કે તું તારા બાપના ઘરેથી દહેજમાં કાંઈ લાવી નથી. આમ કહીને મારઝૂડ પણ કરતા હતા. જાે કે ઘર સંસાર ન તૂટે જેથી તે માટે પરિણીતા બધું સહન કરી લેતી હતી. સસરાએ પરિણીતાના પિતાને કહ્યું કે નવું મકાન બાંધવાનું હોઈ તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ. આમ કહેતા પરિણીતા તેનાં પિયરમાં રહેવા ગઈ હતી.
પંદર દિવસ પસાર થઈ ગયા હોવા છતાં પરિણીતાને કોઈ લેવા ન આવતાં તે સાસરે તપાસ કરવા ગઈ તો પતિ અને સાસુ અમેરિકા જતાં રહ્યાં હતા. પરિણીતચાએ તેના સસરાને આ અંગે પૂછતા તેમણે કહ્યું કે તને પણ અમેરિકા મોકલીશું તારો પાસપોર્ટ કઢાવવાનો હોઈ તું તારા ડોક્યુમેન્ટ આપી દે અને અત્યારે તું તારા પિયરમાં પાછી જતી રહે. આમ કહેતા પરિણીતા તેના ડોક્યુમેન્ટ આપી પરત પિયરમાં જતી રહી હતી.
થોડા દિવસ પછી સસરા પણ અમેરિકા જતા રહ્યાં હતા. જેથી પરિણીતાએ સાસુને ફોન કર્યો હતો તેમણે કહ્યું કે હવે તું મારા દીકરાને નહીં મળી શકે. તું છૂટાછેડા આપી દે. એમ પણ તું દહેજમાં કાંઈ લાવી નથી.