Western Times News

Gujarati News

25 વર્ષ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનું કોકડું ઉકેલવાની ક્વાયત

Files Photo

૧૨૨ જેટલી હાઉસિંગ કોલોનીના ૧૯૦૦૦ પરિવારોને થોડા સમયમાં નવા વાતાવરણમાં, નવા મકાનમાં રહેવા મળે એવો માર્ગ મોકળો થશે

અમદાવાદ: રાજ્યમાં પચ્ચીસ વર્ષ કે તેથી જૂની હાઉસિંગ કોલોનીઓ, સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટ માટે સરકારે ઘણાં સમય પૂર્વે જાહેર કરેલી નીતિમાં કેટલાક વહીવટી સહિતની મુશ્કેલીઓના કારણે સમગ્ર મામલો ગૂંચવાયો હતો. તેનો ટૂંક સમયમાં ઉકેલ આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અમિત શાહે પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું કે,

એમના મતવિસ્તારમાં ૧૨૨ જેટલી હાઉસિંગ કોલોનીના ૧૯૦૦૦ પરિવારોને થોડા સમયમાં નવા વાતાવરણમાં, નવા મકાનમાં રહેવા મળે એવો માર્ગ મોકળો થશે. કેટલીક વહીવટી ગૂંચ હતી એના ઉકેલ માટે મુખ્યમંત્રી સહિતના લોકોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી છે.

મને આશા છે કે એનો જલદી ઉકેલ આવી જશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિત શાહે સવારથી બપોરે બે વાગ્યા સુધી પોતાના મતવિસ્તારના વિવિધ ઓવરબ્રિજ સહિતના લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન કરી તુરંત ગાંધીનગર સરકીટ હાઉસ પહોંચ્યા હતા.

અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, પૂર્વ ઔડા ચેરમેન અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક સંયુક્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ મહાનગરના રહેણાંક વિસ્તારોની કેટલીક સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટની દરખાસ્તોના અર્નિણત મુદ્દા ઉપર એક કલાકથી વધુ સમય માટે ચર્ચા કરવામાં આવી હતી.

અહીં નોંધવુ જરૂરી છે કે, રહેણાંક સોસાયટીઓ, કોલોનીઓના રિ-ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે ઘણાં સમય પૂર્વે નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં અગાઉના ૯૦ ટકા સભ્યોની સહમતીના સ્થાને ૭૦ ટકા સભ્યોની સહમતી હોય તો દરખાસ્તને મંજૂરી આપવા સહિતના અનેક પાસાઓ સમાવાયા હતા. જાેકે, જે સહમતી ન આપે અથવા તો પોતે મકાન ખાલી કરવા તૈયાર ન હોય

એવા કિસ્સામાં શું કરવું સહિત નીતિના અમલ માટેના સ્પષ્ટ નિયમોના અભાવે શહેરમાં કેટલીય દરખાસ્તો અનિર્ણિત પડતર હતી. આ મુદ્દે અમિતભાઇ સમક્ષ રજૂઆતો થતાં એમણે સંયુક્ત બેઠક યોજી હતી અને આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.