જીવનજરૂરી વસ્તુના ભાવ ૪૦ ટકા વધતાં, ઘર ખર્ચમાં ૫ ટકાનો વધારો
નવી દિલ્હી: રોજીંદી જરુરિયાતની વસ્તુઓ અને અનાજ કરિયાણાના ભાવોમાં થયેલા ૪૦ ટકા સુધીના વધારાના કારણે મોંઘવારી વધી રહી છે અને લોકોના ઘરના બજેટ બગડી રહ્યા છે. દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો થયો છે.
આ આંકડો આ વર્ષે એપ્રિલ જૂન વચ્ચેના છે. ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાન ઘર ચલાવવા માટે જે ખર્ચ થતો હતો તેના કરતા આ વર્ષે તેમાં પાંચ ટકાનો વધારો થયો છે. એક સ્ટાર્ટ અપ કંપનીના રિપોર્ટમાં આ તારણ કાઢવામાં આવ્યુ છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે, ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સની કિંમતોમાં વધારાએ છેલ્લા પંદર દિવસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. લોટ, ખાંડ , દાળ અને રિટેલ સ્ટોર પર મળતી વસ્તુઓના ભાવમાં ઝડપથી વધારો થયો છે. મસાલાના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. જાેકે પેક કરેલી વસ્તુઓના ભાવમાં વધારે તફાવત નથી દેખાયો.
કંપનીએ પોતાનો આ અહેવાલ ૨૦ લાખ સ્ટોર પર વસ્તુઓના ભાવને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. જ્યાં રોજીંદી જરુરિયાતની વસ્તુઓ વેચાતી હોય છે. બજારમાં મળતા ચોખાના ભાવમાં ૮ થી ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ઘઉંના ભાવમાં વધારો થયો હોવાથી લોકલ બ્રાંડના લોટના ભાવમાં ૮ થી ૧૫ ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. ખાદ્ય તેલોના ભાવમાં ૪૦ થી ૫૦ ટકાનો વધારો એક વર્ષમાં થયો છે. જે સૌથી વધારે છે.
ખાંડ, કોફી, સાબુ, બિસ્કિટના ભાવ સ્થિર છે પણ આ પ્રોડક્ટસ પરની પ્રમોશનલ સ્કીમોને પાછી ખેંચી લેવાઈ છે. મેગીના ભાવમાં વધારો નથી થયો પણ આ જ ભાવમાં ૭૦ની જગ્યાએ હવે ૬૦ ગ્રામ મેગી મળે છે. તેલના ભાવ વધવાથી નાસ્તાના ભાવમાં ૮ થી ૧૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ડિટરજન્ટ પાવડરની કિંમતો પાંચથી સાત ટકા વધી છે. ચાના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો ઉછાળો છે. માત્ર હેન્ડ સેનેટાઈઝરના ભાવ ૨૦ થી ૩૦ ટકા ઘટ્યા છે.
મોંઘાવારી પાછળનુ એક કારણ લોકડાઉન પણ મનાઈ રહ્યુ છે. લોકો ઘરમાં જ રહ્યા હોવાથઈ તેમની જરુરિયાતો વધી ગઈ હતી અને ગ્રોસરી પાછળ થતો ખર્ચ પણ વધ્યો છે. બીજી તરફ લોકોની આવક ઘટવાથી સસ્તા સામનની માગ પણ વધી છે. બીજી તરફ પાછળથી દુકાનદારો પાસે જે સપ્લાય આવ્યો છે તે મોંઘો થઈ રહ્યો છે. મોંઘવારીના કારણે ઘરાકીમાં ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો પણ દેખાઈ રહ્યો છે.