ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા
યુવતીના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ તેઓ દંપતીને છૂટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરે છેે
આણંદ: રાજ્યમાં લવ જેહાદનાં કાયદો લાગુ કર્યા બાદ વડોદરા અને વલસાડમાં મળીને કુલ બે કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે. અહીં ૨૦ વર્ષની મુસ્લિમ યુવતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે ૧૯મી જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા છે. જે બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણેએ તેના પરિવારજનો દ્વારા તેણીને તથા તેના પતિને જાનનું જાેખમ હોય પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી છે. હાલ આ બંન્નેનો ૩૦ સેકન્ડનો વીડિયો પણ સ્થાનિક પંથકમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર ખંભાત તાલુકાના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કરી લીધા છે. જે બાદ તેણે પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને સ્વ અને પતિનું રક્ષણ માંગતી લેખિત અરજી કરી છે. જેમાં જણાવાયું છે કે, તેણે ગત ૧૯મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. ૧૭મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલે કપડે ત્યજી દીધું હતું.
હાલમાં તેણીના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોય તેઓ તેમને છૂટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેણીને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. તેણીએ હિન્દુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી ગભરાયેલા હોવાથી ખંભાત છોડી, સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ફરમીન સૈયદે આપેલી લેખિત અરજીમાં કેટલાક નામો સૂચવીને તેમનાથી ડર હોવાનું પણ જણાવ્યું છે.
જેમાં પિતા મો. ફુરકાન સૈયદથી, તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખ્સ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદ્દામ સૈયદ ઉર્ફે મારૂફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસિફ સૈયદ, જમશેદ જાેરાવરખાન પઠાણથી ડર હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે તેણે લખ્યું છે કે, તેને કે તેના પતિને કાંઈ થશે તો તેની જવાબદારી આ લોકોની રહેશે.