નદીમાં તણાતી કારનું લોકોએ રેસ્ક્યૂ કરી બેને બચાવી લીધા
રાજકોટ: રાજકોટ જિલ્લાની આસપાસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને પગલે અનેક ગામોમાં પાણી ભરાયા હતા. તો નદીઓમાં પણ પાણી આવવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે લોધિકાની રાવકી નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં એક નિવૃત્ત બેંક કર્મચારીનું મોત નિપજ્યુ હતું. તો તેમના પરિવારની બે મહિલાઓને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને બચાવી લીધી હતી.
લોધિકાના રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામતા પુલમાં એક કાર તણાઈ હતી. જેમાં નિવૃત્ત બેંક કર્મી લાલજીભાઈ ધેલાણીનું મોત નિપજ્યું છે. કાર આ પુલ પરથી પસાર થઈ હતી, ત્યારે પુલ પરથી નીચે ખાબકી હતી. કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ત્યારે સ્થાનિક લોકો મદદે આવ્યા હતા.
ગામના સંરપંચ સહિત યુવાનોએ જીવના જાેખમે રેસ્ક્યૂ કર્યુ હતું. સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાક્ટર મજૂરોએ બચાવ કામગારી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મેટોડા જીઆઇડીસીમાં વરસાદના કારણે રોડ ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા.