કોરોનાકાળમાં શાળાઓ બંધ છે, પણ શિક્ષણકાર્ય નિરંતર શરૂ છે

ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ
યુવાનીમાં અકસ્માતે દિવ્યાંગ બનેલા હેતલકુમાર છેલ્લા બાવીસ વર્ષથી વિદ્યાર્થીઓને આપી રહ્યાં છે શિક્ષણ, કારોનાકાળમાં શિક્ષણકર્મ કરે છે
દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં પણ શિક્ષકો દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી રહ્યાં છે શિક્ષણ
આલેખન : મહેન્દ્ર પરમાર: કોરોનાકાળમાં શાળામાં શિક્ષણકાર્ય બંઘ છે ત્યારે દાહોદના એક પજ્ઞાચક્ષુ શિક્ષકે પોતાની શારીરિક અક્ષમતાને વળોટી જઇ ફળિયે ફળિયે જઇને શિક્ષણની જ્યોતને પ્રજ્વતિલત રાખી છે. ગુજરાત-મધ્યપ્રદેશના સીમાડે આવેલા દાહોદના ખંગેલા ગામના પ્રાથમિક શાળાના પજ્ઞાચક્ષુ શિક્ષક હેતલકુમાર કોઠારી વિદ્યાર્થીઓને તેમના ફળિયે જઇને શિક્ષણ આપી રહ્યાં છે. રાજય સરકાર દ્વારા દરેક વિદ્યાર્થી સુધી
શિક્ષણ પહોંચે એ માટે ઓનલાઇન શિક્ષણ ઉપરાંત ફળિયા શિક્ષણનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે પજ્ઞાચક્ષુ શિક્ષક હેતલકુમારે તેને યોગ્ય રીતે ઝીલયો છે.
દાહોદનું ખંગેલા ગામ સરહદ પર આવેલું ગામ છે અને તેના બારેક ફળિયા અટપટા રસ્તાઓ સાથે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે ત્યારે અહીંના પ્રાથમિક શાળાના શિક્ષકો જિલ્લાના અન્ય શિક્ષકોની જેમ ફળિયે ફળિયે જઇને શિક્ષણ આપી રહ્યાં છે. શ્રી હેતલકુમાર પણ આ પહેલમાં જોડાયા છે અને પોતાની શારીરિક અક્ષમતાને બાધા બનવા દીધી નથી. તેઓ પણ તેમના સાથી શિક્ષકમિત્રની મદદથી રોજ સવારે શિક્ષણ માટે નીકળી જાય છે.
હેતલકુમાર અત્યારે ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે. જયારે તેમની સાથેના શિક્ષક મિત્રને અન્ય વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું હોય છે. આથી જે તે ફળિયામાં શિક્ષણ માટે બંન્ને શિક્ષકો સાથે નીકળે છે અને પરત આવે છે. અત્યારે ત્રીજા ધોરણમાં ૯૫ વિદ્યાર્થીઓ છે. તેમને શિક્ષણ આપવા માટે હેતલકુમાર રોજે રોજ અલગ અલગ ફળિયામાં જાય છે
અને સાથે લઇ ગયેલા ચોક-બોર્ડ-ડસ્ટર વગેરેનો ઉપયોગ સાથે જે તે ફળિયામાં જ નાનકડો કલાસરૂમ બની જાય છે. ખંગેલા ગામમાં બારેક ફળિયા છે. અહીંના શિક્ષકોએ દરેક વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચે એ રીતનું સમયપત્રક પણ બનાવ્યું છે અને એ પ્રમાણે દરેક ફળિયાના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચતું કરાય છે.
હેતલકુમાર છેલ્લા ૨૨ વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેઓ ધોરણ ૩ થી ૫ નાં વિદ્યાર્થીઓને ભણાવે છે. તેઓ એટલી સહજતાથી વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે કે કોઇ કલ્પના ન કરી શકે કે તેઓ પજ્ઞાચક્ષુ હશે. હેતલકુમાર જણાવે છે કે, કોરોનાકાળમાં શાળા બંઘ છે પરંતે તેના કારણે શિક્ષણકાર્યને અટકવા દીધું નથી. અત્યારે ઓનલાઇન શિક્ષણ સાથે ફળિયે ફળિયે જઇને પણવિદ્યાર્થીઓને શિક્ષણ આપીએ છીએ. આ માટે કોરોનાને લગતા માસ્ક, સેનિટાઇઝર સહિતના તમામ પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવે છે.
હેતલકુમાર જન્મથી જ પજ્ઞાચક્ષુ નથી. તેમણે એમએસસી, બીએડ સુધીનું શિક્ષણ લઇને અંકલેશ્વર ખાતેની કેમોક્સ કેમીકલ કંપનીમાં કામ કરતા હતા. ત્યાં એક અકસ્માતમાં તેમણે ફક્ત ૨૪ વર્ષની ઉંમરે આખો ગુમાવી. ત્યાર બાદ તેમણે અમદાવાદ ખાતે ફિઝિયોથેરાપીનો કોર્સ કરીને દાહોદ ખાતે પ્રેક્ટિસ કરતા હતા. દરમિયાન તેમને પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મળતાં
તેઓ શિક્ષણ ક્ષેત્રમાં જોડાયા હતા અને છેલ્લા ૨૨ વર્ષથી ખંગેલા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ આપી રહ્યાં છે. હેતલકુમાર જણાવે છે કે તેમની દિવ્યાંગતા તેમને શિક્ષણકાર્યમાં કયારેય બાધારૂપ બની નથી. તેઓ ઓનલાઇન શિક્ષણ પણ મોબાઇલ પર સરળતાથી આપી શકે છે. તેમનો સ્માર્ટ ફોન બોલીને તેમનું માર્ગદર્શન કરતો રહે છે. પરંતુ તેઓ ફળિયા શિક્ષણને રાજય સરકારની આવકાર્ય પહેલ ગણાવે છે. કારણ કે રૂબરૂ શિક્ષણની અસરકારકતા વધારે હોય છે.
દાહોદ જિલ્લો ઘણી ભૌગોલિક પ્રતિકુળતા ધરાવે છે. તેમ છતાં જિલ્લાના શિક્ષકોએ અંતરિયાળ ગામો સુધી પણ શિક્ષણને પહોંચતું કર્યું છે. હેતલકુમાર જેવા નિષ્ઠાવાન શિક્ષક પોતાની શારીરિક અક્ષમતાઓને તેમા બાધા બનવા દેતા નથી અને જિલ્લાનો કોઇ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખ્યું છે.