અમરીશ ડેરના સમર્થનમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન, પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત
ભાવનગર: ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનને સમર્થન આપીને ભાવનગરમાં પણ આવેદન સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ભાવનગર ડીઆરએમ કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી ભાવનગર પરા સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન કર્યું હતું. જાેકે કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલ રોકવા પાટા પર બેસી જતાં પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રેલવે તંત્ર સામે વિરોધ દર્શાવી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવેની જગ્યાને લઇને છેલ્લા ૧૬ દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. આંદોલનને રોકવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે રેલવે તંત્ર સામે કરવામાં આવી રહેલા આંદોલનને પગલે ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરને પોતાનું સમર્થન આપી આંદોલનમાં જાેડાયા હતા.
જે અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ રોકો આંદોલન કરવાનો ર્નિણય કરાયો હતો. જેને લઇ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર પરા ખાતે આવેલ ડીઆરએમ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇ ભાવનગર ડીવીઝનના ડી.આર.એમ પ્રતીક ગોસ્વામીને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ધારાસભ્ય અમરીશ ડેર ની માંગને યોગ્ય ગણાવી સ્વીકારવામાં અંગે રજૂઆત કરી હતી.
કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ભાવનગરમાં પણ રેલ રોકો આંદોલન અંતર્ગત ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે રેલના પાટા પર બેસીને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જાેકે ટ્રેન ઉપડે તે પહેલાં જ પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા સહિતના આગેવાનો, સ્થાનિક નગરસેવકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.