કોરોનાના ડરે આંધ્રમાં ચાર જણાંના પરિવારની આત્મહત્યા
નવી દિલ્હી: આંધ્ર પ્રદેશમાં ૪ લોકોના સમગ્ર પરિવારે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મહત્યા ઉપરાંત આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ ખૂબ જ ચોંકાવનારૂ છે. પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં કોરોના વાયરસ થવાનો ડર હોવાથી જીવ આપી દીધો તેમ લખેલું હતું.
કર્નૂલ શહેરના વડ્ડગેરી ખાતે આ ઘટના બની હતી. પરિવારના ૪ સદસ્યો જેમાં પતિ અને પત્ની ઉપરાંત તેમના ૧૭ અને ૧૪ વર્ષની ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે તેમણે ઝેર ખાઈને જીવ આપી દીધો હતો. ઘરમાંથી ચારેય વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક પ્રતાપ એક ટીવી મિકેનિક હતા જ્યારે દીકરો જયંક કોઈક કોર્સનો અભ્યાસ કરી રહ્યો હતો અને દીકરી સાતમા ધોરણમાં હતી.
બુધવારે ઘણા કલાકથી પરિવારનું કોઈ સદસ્ય બહાર ન નીકળતા પાડોશીઓને શંકા જાગી હતી. પાડોશીઓએ બારણું ખખડાવ્યું હતું પરંતુ કોઈ જવાબ ન મળતા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે બારણું ખોલ્યું તો અંદર ચારેય વ્યક્તિના મૃતદેહ જમીન પર પડેલા હતા. આ ઉપરાંત ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, કોરોનાના કારણે મિત્રો અને સગા સંબંધીઓના મોત થયા હતા અને તેમને સંક્રમણનો ડર લાગતો હતો. પોલીસે ચારેય મૃતદેહ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.