હેપ્પી સ્ટ્રીટના વેન્ડર્સ “અન હેપ્પી”: ૧૬ મહિનામાં માત્ર ૩૮ દિવસનો ધંધો થયો
અમદાવાદ, અમદાવાદ શહેરના પ્રખ્યાત લો – ગાર્ડન ખાણી-પીણી બજારને નામશેષ કરી તે સ્થળે “હેપ્પી સ્ટ્રીટ” તૈયાર કરવામાં આવી છે જેમાં ધંધો કરવા માટે મનપા દ્વારા પરવાના આપવામાં આવ્યા છે. હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ થયુ તે સમયથી કોરોના અને કરફયુના કારણે હેપ્પી સ્ટ્રીટ બંધ છે તથા ૧૬ મહિનામાં વેપારીઓ માત્ર ૩૮ દિવસનો જ ધંધો કર્યો છે તેના વેન્ડર્સ “અન હેપ્પી” એટલે કે દુઃખી છે.
છેલ્લા ૧૬ મહીનામાં રાતીપાઈનો પણ ધંધો થયો ન હોવાથી વેન્ડર્સ દ્વારા પરવાના ફી ની માંડવાળ કરવા માટે રજુઆત કરવામાં આવી છે જે અંગે ગુરૂવારે મળનાર સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં એક સમયે મોડી રાત સુધી ખાણીપીણી બજાર ચાલતા હતા એક અંદાજ મુજબ આ વિસ્તારના ૮૦૦ મીટર લંબાઈના રોડ પર બંને તરફ મળી પર જેટલા ફેરીયાઓએ અડ્ડો જમાવ્યો હતો જેમાં પ્રખ્યાત હોટેલના માલિકોનો પણ સમાવેશ થાય છે.
તત્કાલીન મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાના આદેશ બાદ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે ગણત્રીના કલાકોમાં જ ખાણીપીણી બજારને નામશેષ કર્યું હતું. મ્યુનિ. કોર્પોરેશને તે સ્થળે “હેપ્પી સ્ટ્રીટ” માટે આયોજન કરી નિર્માણ કર્યુ હતું જેમાં ૩૧ મોટી ફુડવાન ૦૯ મીડીયમ અને ૦ર નાની મળી કુલ ૪ર ફૂડવાન માટે જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં મોટી ફૂડવાન માટે રૂા. ૯૦ હજાર, મીડીયમ રૂા.૩૦ હજાર માસિક લાયસન્સ ફી નકકી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીના હસ્તે ૭ ફેબ્રુઆરી ર૦ર૦ એ “હેપ્પી સ્ટ્રીટ”નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું તેમજ તમામ પરવાનાદારોને ૧પ ફેબ્રુઆરી સુધીમાં પરવાના આપ્યા હતા તેથી ફૂડવાનના માલિકો પાસેથી ૧પ ફેબ્રુઆરી ર૦ર૦થી ભાડુ લેવાની શરૂઆત થઈ હતી પરંતુ માત્ર એક સપ્તાહ બાદ રર માર્ચ એ જનતા કરફર્યુ જાહેર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ કોવિડ સંક્રમણને અટકાવવા રપ માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું ૧ જુનથી અનલોક જાહેર થયુ હતુ પરંતુ રાત્રી ખાણીપીણી બજારો બંધ રાખવામાં આવ્યા હતા જેના કારણે “હેપ્પી સ્ટ્રીટ”માં ધંધો શરૂ થયો ન હતો. દરમ્યાન ૧૧ નવેમ્બર ર૦ર૦થી રાત્રે ૧ર વાગ્યા સુધી બજાર શરૂ કરવા જાહેરાત કરવામાં આવી હતી
જે મુજબ પરવાનાદારોએ ધંધો શરૂ કર્યો હતો. પરંતુ ર૦ નવેમ્બર ર૦ર૦થી વધુ એક વખત રાત્રી કરફર્યુ જાહેર કરવામાં આવ્યો હતો શહેરમાં નવેમ્બર-ર૦ર૦થી આજદિન સુધી રાત્રી કરફર્યુનો અમલ ચાલી રહયો છે. જેમાં ડીસેમ્બર- ર૦ર૦ માં રાત્રે ૯ થી ૬, જાન્યુઆરી- ર૦ર૧માં ૧૦ થી ૦૬, ફેબ્રુઆરી ૧ થી ૧પ તારીખ સુધી રાત્રે ૧૧ થી ૬, ૧૬ ફેબ્રુઆરીથી ર૮ ફેબ્રુ. સુધી રાત્રે ૧ર થી ૬, ૧ માર્ચ થી ૧૪ માર્ચ સુધી રાત્રે ૧ર થી ૦૬ તથા ૧પ માર્ચથી અત્યાર સુધી રાત્રે ૦૯ થી ૦૬ વાગ્યા સુધી કરફયુનો અમલ ચાલી રહયો છે.
નોંધનીય છે કે લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં સાંજે ૦૪ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી જ ધંધા માટે પરવાનગી છે. કોરોના અને કરફયુના કારણે હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ થયુ તે સમયથી માત્ર ૩૮ દિવસ માટે જ બજાર ખુલ્લુ રહયુ છે. તથા ૧પ મહીના બજાર બંધ રહયુ છે જેના કારણે ફુડ સ્ટ્રીટના પરવાનાદારો દ્વારા ફી ભરવામાંથી મુક્તિ માટે રજુઆત કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ હેપ્પી સ્ટ્રીટના પરવાનેદારો પાસેથી માસિક રૂા.ર૬ લાખ ભાડુ મળે છે. એપ્રિલ ર૦ર૦ થી જુન – ર૦ર૧ સુધી ૧પ મહીના માટે રાહત આપવામાં આવે તો રૂા.૩.૯૦ કરોડની માંડવાળ કરવાની થઈ શકે છે. કોરોના- કરફયુના કારણે જેટલો સમય બજાર બંધ રહે તેટલા સમય માટે ભાડામાં રાહત આપવા પરવાનાદારોએ માંગણી કરી છે.