Western Times News

Gujarati News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ન્યૂ એનર્જી બિઝનેસમાં કુલ રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે

આર.આઇ.એલ.ના સી.એમ.ડી. શ્રી મુકેશ અંબાણીનું 44મી એ.જી.એમ.માં સંબોધન

સાઉદી અરામ્કોના ચેરમેન અને પી.આઇ.એફ.ના ગવર્નર યાસીર અલ-રુમાય્યન આર.આઇ.એલ.ના બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર બન્યા

ગૂગલ-જિયો દ્વારા વિકસિત જિયોફોન નેક્સ્ટ ગણેશ ચતુર્થીના દિવસે બજારમાં આવશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની (આઇ.પી.ઓ. પછીની) 44મી વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતાં આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની ન્યૂ એનર્જી વ્યવસાયમાં આગામી ત્રણ વર્ષમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમે જામનગર ખાતે 5000 એકરમાં ‘ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ’ વિકસિત કરવાનું શરૂ કરી દીધું છે, જે વિશ્વની અગ્રણી એકીકૃત બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન સુવિધાઓમાં સ્થાન મેળવશે.

શ્રી મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ ભારત માટે નક્કી કરેલા 2030 સુધીમાં 450 ગીગા વોટના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાના લક્ષ્યથી ખૂબ જ પ્રેરિત થયા છીએ. રિલાયન્સ 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલાર એનર્જી સ્થાપિત કરવામાં અને તેના ઉત્પાદનમાં મદદ કરશે અને તેના માટે એડવાન્સ્ડ એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરી લોન્ચ કરશે.

શ્રી મુકેશ અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે નવી ઊર્જાની ઇકોસિસ્ટમના મહત્વના કમ્પોનન્ટ્સના ઉત્પાદન અને ઇન્ટિગ્રેશન માટેની ચાર ગીગા ફેક્ટરીઝ અમે તૈયાર કરી રહ્યા છીએ –સોલર ફોટોવોલેટિક મોડ્યૂલ ફેક્ટરી, એનર્જી સ્ટોરેજ બેટરી ફેક્ટરી, ઇલેક્ટ્રોલિઝર ફેક્ટરી, ફ્યૂઅલ સેલ ફેક્ટરી.

આ રીતે રિલાયન્સ સંપૂર્ણપણે એકીકૃત એન્ડ-ટુ-એન્ડ બિનપરંપરાગત ઊર્જાનું માળખું તૈયાર કરશે. આ ગતિવિધિઓમાં આગામી ત્રણ વર્ષમાં અમે રૂ.60,000 કરોડનું મૂડીરોકાણ કરીશું, એમ શ્રી મુકેશ અંબાણી જણાવતાં ઉમેર્યું હતું કે વધારાના રૂ. 15,000 કરોડનું રોકાણ અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ સહિત વેલ્યુ ચેઇન, પાર્ટનરશીપ અને ફ્યુચર ટેકનોલોજીમાં કરીશું.

આમ, આગામી ત્રણ વર્ષમાં ન્યૂ એનર્જી બિઝનેસમાં અમારું કુલ રોકાણ રૂ. 75,000 કરોડ થશે. તેમણે જણાવ્યું હતું કે આ ઇકોસિસ્ટમને વધારે મજબૂત બનાવવા માટે – રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ડિવિઝન અને રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ ફાયનાન્સ ડિવિઝન – એમ બે વધારાના ડિવિઝનનું નિર્માણ કરવામાં આવશે.

આર.આઇ.એલ.ના સી.એમ.ડી. શ્રી અંબાણીએ શેરધારકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “આ પહેલ સાથે રિલાયન્સ ગુજરાત અને ભારતને વિશ્વના સોલાર અને હાઇડ્રોજન નકશા પર સ્થાપિત કરશે. અમારાં તમામ ઉત્પાદનો ગર્વથી કહેવાશેઃ ‘મેઇડ ઇન ઇન્ડિયા, બાય ઇન્ડિયા, ફોર ઇન્ડિયા એન્ડ ફોર ધ વર્લ્ડ’. જામનગર આપણાં જૂની ઊર્જાના વેપારનું પારણું હતો. જામનગર આપણાં નવી ઊર્જાના વેપારનું પણ પારણું બનશે.”

સાઉદી અરામ્કોના ચેરમેન અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (પી.આઇ.એફ.)ના ગવર્નર યાસીર અલ-રુમાય્યનને  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર તરીકે સ્વાગત કરતાં શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે  તેમનું બોર્ડમાં જોડાવું એ રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણનો પ્રારંભ છે.

શ્રી મુકેશ અંબાણીએ ગૂગલ અને જિયો દ્વારા વિકસાવવામાં આવેલા જિયોફોન નેક્સ્ટ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ગૂગલ અને જિયોની ટીમોએ સાથે મળીને વાસ્તવિક અર્થમાં બ્રેકથ્રૂ સ્માર્ટફોન- જિયોફોન નેક્સ્ટ – વિકસાવ્યો છે. આ ફૂલ્લી ફિચર્ડ સ્માર્ટફોન છે જે ગૂગલ અને જિયો બંનેની તમામ એપ્લીકેશન્સને સપોર્ટ કરે છે. જિયોફોન નેક્સ્ટમાં જિયો અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું એન્ડ્રોઇડ ઓ.એસ.નું ઓપ્ટીમાઇઝ્ડ વર્ઝન છે. તે અલ્ટ્રા-અફોર્ડેબલ અને અતિ-આધુનિક ફિચર્સ ધરાવતો ફોન છે. તે ગણેશ ચતુર્થી, સપ્ટેમ્બર 10 થી બજારમાં ઉપલબ્ધ બનશે, એમ શ્રી અંબાણીએ જણાવ્યું હતું.

ગૂગલના સી.ઇ.ઓ. શ્રી સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે અમારું વિઝન ભારતીયોની પોતાની ભાષામાં માહિતી તેમના સુધી પોષણક્ષમ રીતે પહોંચાડવાનું, ભારતની અનોખી જરૂરીયાતો માટેનાં નવાં ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ કરવાનું અને ટેકનોલોજી સાથે વ્યવસાયનું સશક્તિકરણ કરવાનું હતું. “આ વિઝનનું નવું પગલું ગૂગલ દ્વારા નિર્મિત નવા, અફોર્ડેબલ, જિયો સ્માર્ટફોનથી શરૂ થશે. તે ભારત માટે બનેલો હશે અને તેનાથી પ્રથમ જ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લાખો લોકો માટે સંભાવનાઓના નવા દ્વાર ખૂલશે,” એમ શ્રી પિચાઈએ જણાવ્યું હતું.

આ ઉપરાંત ગૂગલ ક્લાઉડ અને જિયો 5જી ટેકનોલોજી માટે પણ સહયોગ કરશે, જેનાથી અબજો ભારતીયોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ વાપરવાની તક મળશે.

શ્રી મુકેશ અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે, માઇક્રોસોફ્ટ સાથે મળીને અમે પ્રારંભિક ધોરણે 10 મેગાવોટની ક્ષમતા સાથેના જિયો-એઝ્યુર ક્લાઉડ ડેટાસેન્ટરો જામનગર અને નાગપુરમાં કાર્યરત કર્યા છે, હાલમાં અમે પાયલોટ કસ્ટમર્સના પ્રારંભિક ગ્રૂપને તેમાં સામેલ કરી રહ્યા છીએ.

રિલાયન્સ રિટેલની કામગીરી અંગે વાત કરતાં શ્રી અંબાણીએ જણાવ્યું હતું કે, પડકારજનક સ્થિતિ હોવા છતાં રિલાયન્સ રિટેલે 1500 નવા સ્ટોર્સ શરૂ કર્યા, આ સમયગાળા દરમિયાન કોઈપણ રિટેલર દ્વારા હાથ ધરાયેલા વિસ્તરણમાં સૌથી મોટું વિસ્તરણ છે, જેનાથી સ્ટોર્સની સંખ્યા 12,711 પહોંચી છે. એપરેલ બિઝનેસે દરરોજના પાંચ લાખ અને આ વર્ષે 18 કરોડથી વધુ યુનિટ્સ વેચ્યા છે. યુકે, જર્મની અને સ્પેનની સમગ્ર વસતીને એકવાર કપડાં પહેરાવી શકીએ એટલા વસ્ત્રોનું વેચાણ કર્યું છે.

જિયોમાર્ટે એક દિવસમાં 6.5 લાખ ઓર્ડર્સ મેળવ્યા હતા. 150 શહેરોના ત્રણ લાખથી વધુ વેપારી ભાગીદારોને તેનો લાભ મળ્યો અને તેઓ સશક્ત થયા. આગામી ત્રણ વર્ષમાં એક કરોડથી વધુ વેપારીઓને વિસ્તરણ અંતર્ગત લાવવામાં આવશે, એમ શ્રી મુકેશ અંબાણીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ત્રણ વર્ષ દરમિયાન, આપણે 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડીશું. “આપણે આપણા તમામ બિઝનેસને એ રીતે વિકસાવવા પ્રતિબદ્ધ રહીશું કે જેનાથી આપણે વિશ્વના ટોચના 10 રિટેલરમાં સ્થાન પામીએ. મને વિશ્વાસ છે કે રિલાયન્સ રિટેલ આગામી ત્રણ-પાંચ વર્ષોમાં ત્રણ ગણો વિકાસ સાધી શકે તેવી ઝડપે આગળ વધશે,” એમ તેમણે જણાવ્યું હતું.

કોવિડ-19 રોગચાળા દરમિયાન કરેલી કામગીરી અંગે વાત કરતાં શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ગત વાર્ષિક સાધારણ સભા પછીથી આપણો વ્યવસાય અને નાણાકીય સફળતા અપેક્ષાઓ કરતાં વધી છે, પણ આ અભૂતપૂર્વ મુશ્કેલ સમયમાં આપણી વ્યાવસાયિક સફળતા કરતાં વધારે ખુશી મને આર.આઇ.એલ.ના માનવતાભર્યા પ્રયાસોથી થઈ છે.  “કોવિડ કટોકટી દરમિયાન, આપણો રિલાયન્સ પરિવાર એક ઉદ્દેશ્ય અને રાષ્ટ્રીય ફરજ પરસ્ત થઈને આગળ આવ્યો હતો. મને ખાતરી છે કે છેલ્લાં એક વર્ષના આપણા પ્રયત્નોથી આપણા સ્થાપક અધ્યક્ષ શ્રી ધીરુભાઈ અંબાણીએ ગર્વ અનુભવ્યો હોત,” એમ શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી એ માનવતાની કટોકટી છે. તેણે માનવતાના જુસ્સાની ખરી કસોટી કરી. પરંતુ સૌથી કપરા સમયગાળા દરમિયાન પણ આપણો જુસ્સો તેજસ્વિતાથી ચમકતો હતો. આપણે ભેગા મળીને આ મોરચે લડ્યા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશને કોવિડ સામે લડવા માટે પાંચ મિશનનો પ્રારંભ કર્યો હતો – મિશન ઓક્સિજન, મિશન કોવિડ ઇન્ફ્રા, મિશન અન્ન સેવા, મિશન એમ્પ્લોઈ કેર ને મિશન વેક્સિન સુરક્ષા. “હું આશ્વાસન આપું છું કે ભારત જે દરેક પડકારોનો સામનો કરશે, તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન દરેક ભારતીયની સાથે ઊભું રહ્યું છે અને ઊભું રહેશે. સાથે મળીને આપણે દરેક પડકારોનો સામનો કર્યો છે અને કરીશું,” એમ શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું.

સુશ્રી ઈશા અંબાણી એ જણાવ્યું હતું કે, “જો અમારા દાદાજી અમારી સાથે હોત તો, તેમને ગર્વ થયો હોત, તેઓ જેવી રિલાયન્સ ઇચ્છતા હતા એ આ જ છે, જ્યાં દરેક વ્યક્તિ મદદની જરૂર છે તેવા લોકો માટે તેમના સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરે છે, અને સમુદાય તથા દેશની સેવા કરે છે.”

શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ પરિવારના સભ્યોએ દેશનો ઈંધણનો પુરવઠો અકબંધ રહે તે સુનિશ્ચિત કર્યું, ડિજિટલ કનેક્ટિવિટીને કોઈ અસર પહોંચવા દીધી નહીં અને લાખો લોકોની રોજિંદી જરૂરિયાતને સુરક્ષિત રીતે પૂરી કરી. માનવતાની તેમની સેવા માટે અમે તેમના ઋણી છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.