આમોદના સરકારી અનાજના ગોડાઉન માંથી ખાંડ અને ઘઉંની ચોરી થતા અનેક તર્કવિતર્ક
હજારો કવીન્ટલ અનાજ છતાં ગોડાઉન માત્ર સળીયા અને બોલ્ટ-નટ ના સહારે બંધ કર્યું હતું….!
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તિલક મેદાન પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમા ગત તારીખ ૧૯ જૂન થી ૨૧ જૂન દરમ્યાન અજાણ્યા ચોર ગેરકાયદેસર ગોડાઉનમાં ઘૂસી ગોડાઉનમા રાખેલ પુરવઠામાંથી ખાંડની ૫૦ કિલોની ૨૧ બોરી જેની સરકારી વેચાણ કિંમત એક કિલો ના રૂપિયા ૨૨ લેખે ૨૩૧૦૦ તથા ઘઉંની ૫૦કિલોની ૨૨ બોરી જેનો સરકારી વેચાણ ભાવ એક કિલોના ૨ રૂપિયા મુજબ ૨૨૦૦ સાથે કુલ રૂપિયા ૨૫૩૦૦ ની ચોરી થયાંની ફરિયાદ આમોદ પોલીસ સ્ટેશનમાં સરકારી અનાજના ગોડાઉનના મેનેજર બી.વી.વસાવાએ આમોદ પોલીસ મથકે નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં હજારો કવીન્ટલ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે છતાં અનાજના ગોડાઉનને માત્ર મેઈન દરવાજાએ જ તાળું મારવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે દરવાજા સળીયા નટ- બોલ્ટ ના સહારે બંધ કરવામાં આવતા હતા.તેમજ ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા પણ ના હોવાથી અનાજ ચોરી અંગે અનેક શંકા કુશંકાઓ જોવા મળી રહી છે.ત્યારે કોઈ જાણભેદુ હોવાની પણ શંકાઓ થઈ રહી છે ત્યારે આમોદ પોલીસ અનાજ ચોરીની ફરિયાદ બાબતે કેવી તપાસ કરે છે જોવું રહ્યું.