Western Times News

Gujarati News

શહેરમાં ૬ ફુટ સુધી વરસાદી પાણી ભરાતા ૪૦ વિસ્તારોમાં રાહત થઈ

Files Photo

ર૦ર૦માં જે વિસ્તારોમાં ૩ થી ૪ ફુટ પાણી ભરાતા હતા તે વિસ્તારોમાં હાલ બે- ત્રણ ઈંચ પાણી ભરાતા હોવાનો તંત્રનો દાવો

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદ સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે. મ્યુનિ. કોર્પોરેશને વરસાદી પાણીના નિકાલ માટે ૯પ૦ કિલોમીટર લંબાઈની સ્ટ્રોમ વોટર લાઈન નાંખી છે પરંતુ અણઘડ આયોજનના પરીણામે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા લેશમાત્ર હળવી થઈ નથી. મ્યુનિ. ઈજનેરખાતા દ્વારા દર વરસે ચોમાસા પહેલા ખાસ પ્લાન બનાવવામાં આવે છે પરંતુ વરસાદના એકાદ-બે ઝાપટામાં પ્રિ-મોન્સુન પ્લાનનું ધોવાણ થઈ જાય છે. ચાલુ વરસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના પડઘા મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં પડયા હતા તથા અધિકારીઓના માથે માછલા ધોવાયા હતા પરંતુ શહેરના ૩૦ જેટલા વિસ્તારો એવા પણ છે કે જયાં ર૦ર૦માં એક થી છ ફૂટ પાણી ભરાયા હતા પરંતુ ચાલુ વરસે ત્યાં ફૂટના બદલે ઈંચમાં પાણી ભરાયા છે જયારે કેટલાક સ્પોટ પર પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો પણ મળ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવતા પ્રિ-મોન્સૂન એકશન પ્લાન દર વરસે હાંસી અને ટીકા પાત્ર બને છે તેમજ કરોડો રૂપિયા પાણીમાં વહી જતા હોવાના આક્ષેપ થાય છે. પરંતુ શહેરના કેટલાક સ્પોટ એવા પણ છે કે જયાં ઈજનેર વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના સારા પરીણામ પણ મળ્યા છે. શહેરના જે વિસ્તારોમાં છ ફુટ જેટલા પાણી ભરાતા હતા તે વિસ્તારોમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સફળ સાબિત થઈ છે. શહેરના નિકોલમાં પાંચ સ્પોટ એવા હતા જયાં ર૦ર૦માં દોઢ ફૂટ સુધી પાણી ભરાયા હતા જે પૈકી ર૦ર૧માં બે સ્પોટ પર ચાર ઈંચ સુધી પાણી ભરાયા હતા

જયારે બાપા સીતારામ ચોકથી શિવાજી ચોક વિસ્તારમાં પાણી ભરાયા ન હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તેવી જ રીતે વસ્ત્રાલ વોર્ડમાં કોસમોસ વિલા પાર્ક એક ફૂટ પાણી ભરાતા હતા જયા હાલ ત્રણ ઈંચ સુધી પાણી ભરાય છે જયારે વિરાટનગર વોર્ડના સ્વામી નારાયણ પાર્ક પાસે ભારે વરસાદમાં બે ફુટ પાણી ભરાતા હતા જયાં ચાલુ વરસે ૬ ઈંચ જ પાણી ભરાયા છે.

પશ્ચિમ ઝોનના નવરંગપુરા વિસ્તારમાં પાંજરાપોળ ક્રોસ રોડ, નારણપુરામાં એ.ઈ.સી. ક્રોસ રોડ તેમજ સ્ટેડીયમ વોર્ડમાં જૈન દેરાસર પાસે ગત્‌ વરસે એક ફૂટ પાણી ભરાયા હતા જયારે ચાલુ વરસે કેચપીટોની સફાઈ બાદ પાણીનો ઝડપથી નિકાલ થઈ રહયો છે તેમજ પાણી ભરાવાની સમસ્યા હળવી બની છે. ઉતર પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં આલ્ફા બજાર, એચ.આર. એફ. ટાવર પાસે અને વોડાફોન ટાવર પાસે પણ એક ફૂટ પાણી ભરાતા હતા જેમાં રાહત થઈ છે. ચાંદલોડીયા યેદુડી ગરનાળા પાસે ચાર ફુટ પાણી ભરાતા હતા જયાં હાલ ૦૬ ઈંચ પાણી ભરાય છે.

ઉત્તરઝોનમાં સૈજપુર ગરનાળા પાસે ૧.પ ફુટ પાણી ભરાતા હતા જયાં સંપ બનાવવાની કામગીરી પુર્ણ થઈ છે તેમ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. જયારે ઉમા સ્કુલ પાસે ૧.પ ફૂટના બદલે ર.પ ફૂટ પાણી ભરાય છે. અસારવા ચમનપુરા સર્કલ પાસે ર૦ર૦ સુધી બે ફુટ જેટલા પાણી ભરાતા હતા જયાં ઓમનગરથી રત્નસાગર ચાર રસ્તા સુધીની સ્ટ્રોમ લાઈન ૧૧૦ મીટર ડીસીલ્ટીંગ કરવામાં આવી છે તેમજ ઓમનગર ઘંટીથી સહજાનંદ સાડી સેન્ટર સુધીની ડકટ તથા ૯૦૦ એમ.એમ.ની વોટર લાઈનના મેનહોલ સફાઈ કરવામાં આવી છે. જયારે અસારવા સાંઈબાબા સોસાયટી પાસે એક ફુટ પાણી ભરાતા હતા જયાં નવી કેચપીટ બનાવવામાં આવી છે

તેમજ ૪પ૦ તથા ૬૦૦ એમ.એમ.ની લાઈનો સાફ કરવામાં આવી છે. જયારે ફોરેન્સીક ચાર રસ્તા પાસે અગાઉ એક ફૂટ પાણી ભરાતા હતા જયાં અર્જુનલાલ સ્કુલ સુધી સી.સી.ટી.વી. થી ડીસલ્ટીંગ કરવામાં આવ્યા બાદ સમસ્યા હળવી થઈ હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે સભ્યો દ્વારા “હલ્લા બોલ” કરવામાં અવ્યુ હતુ તથા ડે. મ્યુનિ. કમિશ્નરોને અગાઉની માફક ઝોનલ મીટીંગ કરવા માટે સુચના આપવામાં આવી છે તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી માટે ખર્ચ થાય છે પરંતુ સુપરવીઝનના અભાવે પરીણામ મળતા નથી. તદ્‌પરાંત રોડ રીસરફેસ કરતા સમયે મીલીંગ થતા નથી જેના કારણે રોડના લેવલ વધી રહયા હોવાથી પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.