કોર્પોરેટરોને નવા લેપટોપ અને ૧૨ હજાર સુધીની મર્યાદામાં મોબાઈલ આપવાની પ્રથા તુટે તેવા એંધાણ
મ્યુનિ. કોર્પોરેટરોની સુવિધા પર કોરોનાનું ગ્રહણ ચાર મહિના બાદ પણ લેપટોપ-મોબાઈલ મળ્યા નથી
અમદાવાદ, ગત તા.૨૧ ફેબ્રુઆરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી અને તા.૨૩ ફેબ્રુઆરીના મતગણતરીના દિવસે શાસક ભાજપને અમદાવાદીઓએ ફરી સત્તાનું સુકાન સોંપ્યું હતું. વર્ષ ૨૦૦૫થી સતત ભાજપ પાસે સત્તાના સૂત્રો છે. ગત ચૂંટણીમા ભાજપ સહિતના રાજકીય પક્ષોએ ધાર્મિક એજન્ડાને અપનાવતાં પહેલી વખત ચૂંટણી જંગમાં ઊતરીને પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી મિમના સાત કોર્પોરેટરો ચૂંટાઇ આવ્યા હતા.
મિમે ૧૩.૩૧ મત ખેંચી લેતાં રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને હવે શહેરના ૧૯૨ કોર્પોરેટરો છેલ્લા ચાર મહિનાથી પોતપોતાના વોર્ડનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જાેકે સત્તાધારી પક્ષ ભાજપે નો-રિપીટ થિયર અજમાવતાં મોટા ભાગના કોર્પોરેટરો પહેલી વખત ચૂંટાઇ આવ્યા છે.
આ નવા કોર્પોરેટરોને તંત્રના વહીવટમાં હજુ પણ ખાસ ગતાગમ પડતી નથી. અનેક સિનિયર કોર્પોરેટરોને ઉંમર નડતા ઘરે બેસવુ પડ્યુ હોઇ આ નવાસવા કોર્પોરેટરોને પેનલમાં કોઇ સિનિયર કોર્પોરેટરનું માર્ગદર્શન પણ મળતુ નથી. આવા સંજાેગોમાં વોર્ડના પ્રશ્નોને સંબધિત વિભાગ કે અધિકારીઓ સુધી પહોંચતા કરવા માટે કોર્પોરેટરોને અત્યાર સુધી અપાતા લેપટોપ હજુ સુધી ફાળવાયા નથી.
આવું કદાચ પહેલી વાર બન્યુ છે કે કોર્પોરેટરપદે ચૂંટાયાના ચાર મહિના બાદ પણ કોર્પોરેટરોને મ્યુનિ. વહીવટીતંત્ર લેપટોપ આપી શક્યુ નથી એટલે આ કોર્પોરેટરો દાયકાઓ જૂની ફરિયાદની લાલ ચિઠ્ઠીની સિસ્ટમ આધારિત થયા છે. શહેરના કોર્પોરેટરોને વર્ષ ૨૦૧૦-૧૫ની ટર્મમાં પહેલી વખત લેપટોપ અપાયા હતાં. તેના પહેલા કોર્પોરેટરોને મ્યુનિસિપલ તિજાેરીના ખર્ચે મોંઘાદાટ કમ્પ્યૂટર પણ અપાયા હતા.
છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટરોને સ્માર્ટ બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે, જાેકે તેઓ કેટલા સ્માર્ટ બન્યા તે એક સંશોધનનો વિષય છે, કેમ કે લેપટોપ આપ્યા બાદ પણ જૂના કોર્પોરેટરો તેને ચલાવી શક્યા નહોતા. તેમના બદલે તેમના પુત્ર-પુત્રી વગેરે પરિવારજનોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના લેપટોપ-કમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો હતો.
પ્રજાના ખર્ચે અને જાેખમે લેપટોપ આપવા પાછળની નીતિ એ હતી કે વોર્ડના લોકોની સમસ્યા કે સૂચનને સંબંધિત વિભાગને સ્માર્ટલી લેપટોપથી પહોંચતી કરવાની હતી. તેમ છતાં જૂના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ સામાન્ય સભામાં જે તે ફરિયાદની લાલ ચિઠ્ઠીના ઢગલા લઇને તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી.
લેપટોપ કે કમ્પ્યુટર ફાળવતી વખતે જે તે ટર્મ પૂર્ણ થયા પછી તેને મ્યુનિસિપલ તંત્રમાં જમા કરાવવાની શરત રખાઇ છે, જાેકે પૂર્વ કોર્પોરેટરોએ પ્રજાકીય કામગીરી માટે ફાળવાયેલાં રૂ.૩૦થી ૩૫ હજારની કિંમતના લેપટોપ-કમ્પ્યૂટરને ઘરભેગાં કરી દીધા હતા. લેપટોપને પરત ન કરવાની બાબતે આ પૂર્વ કોર્પોરેટરો બેશરમીથી કહેતા હતા કે હવે તો આ લેપટોપ ડબલા થઇ ગયા છે. અમે તો આજે જ પરત કરી દઇએ, પરંતુ તંત્રે અમને કોઇ એવી સૂચના જ આપી નહોતી, જ્યારે અમુક તો મજાકમાં કહેતા હતા કે મારા ઘરનાં દીકરા-દીકરી લેપટોપ વાપરે છે, એમને જ લેપટોપ આવડે છે, આ અમારો વિષય નથી.
હવે આ ૨૦૨૦-૨૫ની નવી ટ્રમ માટે ચૂંટાયેલા ૧૯૨ કોર્પોરેટરોને પણ તંત્ર દ્વારા લેપટોપ ફાળવવાના થાય છે. આ લેપટોપનો ઉપયોગ આ કોર્પોરેટરો લોકોની કામગીરી માટે કરે છે કે પછી તેમના દીકરા-દીકરીને સુપરત કરે છે. તે તો ફરી પાછો તંત્ર માટે સંશોધનનો વિષય બનશે, પરંતુ લેપટોપના અભાવે નવી ટર્મના કોર્પોરેટરો ફરિયાદ માટે લાલ ચિઠ્ઠી આધારિત થયા છે. આ કોર્પોરેટરોને મનપસંદ કંપનીનો ફોન ખરીદવા ચૂકવાતી રૂ.૧૨ હજારની રકમ પણ ફાળવાઇ નથી.
૧૯૨ કોર્પોરેટરો માટે કોર્પોરેશન દીઠ એક લેપટોપ ખરીદવા માટે મ્યુનિસિપલ તિજાેરીમાંથી રૂ.૬૭.૨૦ લાખનો ખર્ચ કરવો પડશે, જાેકે મ્યુનિસિપલ તિજાેરીને કોરોનાનું ગ્રહણ લાગતા તે ખાલી ખમ થઇ હોવાની ચર્ચા છે. કોવિડ દર્દીઓની પાછળ તંત્રને રૂ.૬૫૦ કરોડથી વધુનો ખર્ચ થયો હતો.
આ ખર્ચની પૂરેપૂરી રકમ હજુ રાજય સરકાર પાસેથી મળી નથી. બીજી તરફ ઓક્ટ્રોય નાબૂદી બાદ આવક માટે એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ તેમાં પણ દારી આવક થતી નથી. મ્યુનિસિપલ તંત્રમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ થકી મળતી કરોડો રૂપિયાની સહાયને પણ અસર પડી છે. એએમટીએસ અને બીઆરટીએસ તો મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સફેદ હાથી સમાન પુરવાર થયા છે.
તેમ છતાં પણ મ્યુનિસિપલ તિજાેરીમાંથી દર વર્ષે આ બંને જાહેર પરિવહન સેવાને દોડતી રાખવા માટે કરોડો રૂપિયાની લોન આપવી પડે છે. અગાઉ પણ ઇન્કમ શોર્ટેજના કારણે સત્તાવાળાઓને ફોર્સ મેજર જાહેર કરવાની ફરજ પડતાં ગત વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટના રૂ.૧૨૦૦ કરોડના પ્રોજેક્ટ પડતા મુકવા પડ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં પણ નાણાંભીડના કારણે કરોડો રૂપિયાના બજેટના કામ પડતા મૂકવા પડશે તેવી પણ ચર્ચા ઊઠી છે.