સોસાયટીની બેઠકમાં બખેડો કરનાર પાયલ રોહતગીની ધરપકડ

૨૦૦૮માં બિગબોસની સ્પર્ધક અને અભિનેત્રી ફરી વિવાદમાં
અમદાવાદ, અભિનેત્રી પાયલ રોહતગી ફરી વિવાદમાં આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સોસાયટીના સભ્યો વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કોમેન્ટ લખી ડીલિટ કરવા, તેમજ સોસાયટીની મીટિંગમાં બોલાચાલી કરી જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં સોસાયટીના ચેરમેને પાયલ રોહતગી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, જે મામલે પોલીસે તેની ધરપકડ કરી છે.
ફરિયાદ અનુસાર, ૨૦મી જૂને સોસાયટીની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં પાયલ સભ્ય ન હોવા છતાં આવી હતી. જેથી ચેરમેને તેને કહ્યું હતું કે, તમારા માતાપિતા સભ્ય છે. તમારા માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે બોલશો નહીં. જે બાદ પાયલે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઉપરાંત પાયલે સોસાયટીના વૉટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા અને સભ્યોની ટકોર બાદ તે ડીલિટ કર્યા હતા. પાયલે અગાઉ ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો છે તેમના પર વીડિયો અપલોડ કરી કમેન્ટ કરી હતી.
પાયલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી કે, ફેમિલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ. ઉલ્લેખનીય છે કે, પાયલ કેટલીક બોલિવૂડ ફિલ્મ્સમાં જાેવા મળી છે. તેણે વર્ષ ૨૦૦૮માં જાણીતી ટીવી રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. અંગત જીવનની વાત કરીએ તો તેણે રેસલર સંગ્રામ સિંહ સાથે લગ્ન કર્યા છે. બન્ને સાથે રિયાલિટી શો ‘નચ બલિએ’માં પણ જાેવા મળ્યાં હતાં.