હેપ્પી સ્ટ્રીટ વેન્ડર્સના ચાર કરોડ માફઃ રપ હજાર વેરા માટે નાના વેપારીઓની મિલ્કતો સીલ

મ્યુનિ. શાસકોનો વિવાદાસ્પદ નિર્ણય-કોરોના અને કરફયુ કાળમાં તમામ વેપારીઓ અને વેન્ડર્સને નુકશાન થયુ છે તો પછી માત્ર હેપ્પી સ્ટ્રીટના વેન્ડર્સ ને જ રાહત શા માટે ?
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટના ર૭ હેન્ડર્સને ભાડામાં રાહત આપવામાં આવી છે. મ્યુનિ. શાસકોનો સદ્ર નિર્ણય વિવાદાસ્પદ બન્યો છે. કોરોના અને કરફયુના સમયમાં તમામ વેપારીઓની સ્થિતી કફોડી બની ગઈ છે
તેવા સંજાેગોમાં સ્ટેન્ડીંગ કમીટી અને સત્તાધારી પાર્ટીને માત્ર ર૭ વેન્ડર્સ પર જ શા માટે પ્રેમભાવ આવ્યો ? તે બાબત ચર્ચા નો વિષય બન્યો છે તેમજ હેપ્પી સ્ટ્રીટના ધોરણે અન્ય વેપારીઓ અને પરવાનાવાળાઓને રાહત આપવા માટે વ્યાપક માંગણી થઈ રહી છે.
શહેરમાં માર્ચ- ર૦ર૦થી કોરોના અને લોકડાઉનના કારણે વેપાર-ધંધા લગભગ ઠપ્પ થઈ ગયા છે એક અંદાજ મુજબ છેલ્લા ૧૬ મહીનામાં બેથી ત્રણ મહીના જ વ્યવસ્થિત કહી શકાય તે રીતે નાની-મોટી દુકાનો અને મોલ્સ ખુલ્લા રહયા છે. આવી જ પરિસ્થિતી ફેરીયા, પાથરણાવાળા અને ખાણી પીણી બજારની રહી છે તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં પ્રોપર્ટી ટેક્ષ વસુલાત માટે તેમજ એક મહીના અગાઉ બી.યુ. ના નામે કોમર્શીયલ મિલ્કતો સીલ કરવામાં આવી હતી. મ્યુનિ. વહીવટીતંત્ર યેનકેન પ્રકારે દુકાનો સીલ કરી રહયુ છે. કોરોનાના કપરાકાળમાં વેપારીઓ રાહતની અપેક્ષા રાખી રહયા છે ત્યારે તંત્ર દ્વારા સીલીંગની તલવાર ચલાવવામાં આવી છે. મ્યુનિ. શાસકોએ પણ તમામ વેપારીઓ પ્રત્યે સમભાવ રાખવાના બદલે માત્ર હેપ્પી સ્ટ્રીટના ર૭ પરવાનાવાળા પ્રત્યે જ હેત દર્શાવ્યુ છે.
તેમજ એક જ ઝાટકે ૧૬ મહીનાના ભાડાની માંડવાળ કરી છે. જેની રકમ રૂા.ચાર કરોડ થાય છે. સત્તાધારી પાર્ટીનો ર૭ પરવાનાવાળા પ્રત્યેનો પ્રેમ અહીંથી અટકયો નથી પરંતુ જયાં સુધી તેમના વેપાર ધંધા બંધ રહે ત્યાં સુધી માસિક ભાડા નહીં લેવા માટે ઠરાવ પણ કર્યા છે. એક તરફ ર૦-રપ હજારનો મિલ્કતવેરો વસુલ કરવા કોમર્શીયલ મિલ્કતો સીલ થઈ રહી છે
જયારે બીજી તરફ માત્ર ર૭ વેન્ડર્સને કરોડોની લહાણી કરવામાં આવી છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે કોરોના અને કરફયુ કાળમાં તમામ વેપારીઓ અને વેન્ડર્સને નુકશાન થયુ છે તો પછી માત્ર હેપ્પી સ્ટ્રીટના વેન્ડર્સ ને જ રાહત શા માટે ?
મ્યુનિ. કોર્પોરેશનના તમામ પરવાનાધારકોને પણ આ જ પધ્ધતિથી રાહત આપવી જાેઈએ તેમજ શહેરના નાના વેપારીઓને મિલ્કતવેરામાં રાહત જાહેર કરવામાં આવે તે જરૂરી છે. મ્યુનિ. શાસકોએ ૪૦ ચો.મી. સુધીની રહેણાંક મિલ્કતોને વેરામાંથી મુક્તિ આપી છે તે જ પધ્ધતિથી કોમર્શીયલ મિલ્કતધારકોને પણ રાહત આપવામાં આવે તે આવશ્યક છે.
રાજય સરકારે પણ પાછલા વર્ષની માફક કોમર્શીયલ મિલ્કતધારકો માટે ખાસ રીબેટ યોજના જાહેર કરવી જાેઈએ તેમજ મ્યુનિ. તંત્રએ વેપારીઓની મિલ્કતોના સીલીંગ બંધ કરી માનવતા દાખવે તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.