નડિયાદમાં શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનની ગેલેરી ધરાશાયી થતાં અફડાતફડી
નડિયાદ નગરપાલિકા પાછળ વર્ષો જુનું મ્યુનિસિપલ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનોની ગેલેરીનો ભાગ આજે ધરાશાયી થતાં અહીંયા અફડાતફડી સર્જાઇ હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં અહીંયા કોઈ હાજર નહોતું તેથી જાનહાનિ ટળી છે. પરંતુ જો આ ઘટના દિવસે બની હોત તો નુકસાનની સાથે સાથે મોટી જાનહાનિ સર્જાવાની શક્યતા રહેલી હતી.
નડિયાદ શહેરના નગરપાલિકાના કેમ્પસને અડીને આવેલ એલ આકારનું મ્યુનિસિપલ શોપીંગ સેન્ટર છેલ્લા કેટલાય સમયથી જર્જરીત અવસ્થામાં ઊભુ છે. વર્ષો જૂનુ આ શોપીંગ સેન્ટરના સ્લેબના સળીયા પણ દેખાવા લાગ્યા છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલા લેવાયા નહી. આજે વહેલી સવારે આ શોપિંગ સેન્ટરના ટ્રાન્સપોર્ટ માર્કેટ તરફના રસ્તા તરફ આવેલ દુકાન નં. ૨૯,૩૦,૩૧, ની આગળની ગેલેરીનો ભાગ એકાએક ધરાશાયી થયો છે.
આ કાટમાળ પડતાં નીચે એક હાથ લારી અને નજીક આવેલ એક લારીને નુકશાન થયું છે. વહેલી સવારે બનેલી આ ઘટના જો દિવસે કે સાંજે થઈ હોત તો અહીંયા મોટી જાનહાની સર્જાત કારણ કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન સહિતનો વ્યવસાય થતો હોવાથી નાગરિકોની ભારે અવરજવર રહે છે.
આ એલ આકારના શોપીંગ સેન્ટરમાં લગભગ ૪૦ થી વધુ દુકાનો આવેલી છે. આ શોપીંગ સેન્ટર છેલ્લા કેટલાય સમયથી જર્જરીત હાલતમાં છે. ઠેકઠેકાણે સ્લેબના સળીયા દેખાવા લાગ્યા છે. અગાઉ પણ અહીંયા કાંસ પરનો સ્લેબ તૂટી પડ્યો હતો. જે સમયે તંત્ર એ ગંભીરતા સમજી તમામ દુકાન ધારકોને નોટીસ પણ આપી હતી. પરંતુ ત્યારબાદ આ કામગીરી પણ અભેરાઈ મુકી દેવાઇ હતી.
અત્રે નોંધનીય છે કે નડિયાદમાં અનેક નાના મોટા મ્યૂનીના અને ખાનગી કોમ્પલેક્ષોની ઈમારતો જર્જરીત હાલતમાં ઊભી છે. જે ગમે ત્યારે પડે અને મોટી જાનહાની સર્જી શકે તેમ છે. ચોમાસાની ઋતુમાં આ જર્જરીત ઈમારતો મોટી જાનહાની નોતરે તેમ છે. તંત્ર દ્વારા આવી ઈમારતોનું તાત્કાલિક ધોરણે રીનોવેશન થાય અથવા તો સમય મર્યાદા પૂર્ણ થયેલ ઈમારતોને ઉતારી નવેસરથી પાયા નાખી બનાવવામાં આવે તથા ખાનગી માલિકીના લોકોને નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે