૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું મહામંથન
નવીદિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રક્ષામંત્રી રાજનાથ સિંહ,ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓએ શનિવારે દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં બેઠક યોજી હતી.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ બેઠકમાં નાણામંત્રી ર્નિમલા સીતારમન, રેલ મંત્રી પીયુષ ગોયલ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અન્ય મંત્રીઓ સામેલ થયા હતા.
બેઠકમાં પાર્ટીના સંગઠનનું કામકાજ સંભાળી રહેલા પદાધિકારીઓ પણ સામેલ થયા હતા. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તાર અને ફેરબદલની અટકળોની સાથે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગાની વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ વિરુદ્ધ રસીકરણ અભિયાન સહિત અન્ય મુચ્ચા પર ભાજપના નેતા સમય-સમય પર ચર્ચા કરતા હોય છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેપી નડ્ડાની સાથે મંત્રીઓના અલગ-અલગ ગ્રુપ સાથે વિભિન્ન મુદ્દે ચર્ચા કરી હતી. જેપી નડ્ડાએ પણ સંગઠન સ્તર પર મહાસચિવો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો અને વિવિધ મોર્ચાની સાથે અલગ-અલગ બેઠક યોજી હતી.