ખેડાના વાઘજીપુરા-ઈયાવા વચ્ચે તળાવ પાસે ચાલતું જુગારધામ પકડાયું

નડીયાદ: કોરોના કાળમાં ખેડા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ બિલાડીની ટોપની જેમ ફુલી ફાલી છે. ખેડાના વાઘજીપુરા-ઈયાવા વચ્ચે તળાવ પાસે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી જુગાર રમતા લોકોને ઝડપી લીધા છે. પોલીસના આ દરોડામાં છ વ્યક્તિઓ ઝડપાઈ ચૂક્યા છે જ્યારે ત્રણ વ્યક્તિઓ ફરાર થઈ ગયા છે. આ બનાવમાં રોકડ રૂપિયા સહિત મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખ ૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખેડા ટાઉન પોલીસે બાતમીના આધારે ગતરોજ વાઘજીપુરા-ઈયાવા ગામ વચ્ચેના તળાવ પાસે ખુલ્લામાં ચાલતાં જુગારધામ પર રેઈડ કરી છે. આ દરમિયાન અહીંયા ભાગ દોડ થતાં છ વ્યક્તિઓ મકસુદ વ્હોરા, જાફર મન્સુરી, રફીક વ્હોરા, મહંમદઈર્શાદ ભઠીયારા, સરફરાજ મલેક અને વસંત ચૌહાણને પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે ઈમરાન મલેક, ઈકબાલ મલેક અને રફીક મલેક બનાવ સ્થળેથી ફરાર થઈ ગયા છે.
પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી રોકડ રૂપિયા ૬૧ હજાર તથા ૬ મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૪૫ હજાર એમ કુલ મળીને રૂપિયા ૧ લાખ ૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જે ફરાર થયેલા ઈસમોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.