Western Times News

Gujarati News

ડુપ્લીકેટ દારૂ બનાવવાનો આખો ગૃહ ઉદ્યોગ ઝડપાયો

રાજકોટ: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા રોજે-રોજ બુટલેગરો અવનવા કિમીયા અજમાવી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે. અનેક વખત પોલીસ બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવી દે છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ગોંડલમાં તો બુટલેગરોએ હદ પાર કરી દીધી, અહીં ગોંડલના વોરાકોટડા રોડ પર ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો ગૃહ ઉદ્યોગ ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂનો ધૂમ વેચાણ થઇ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદને લઇ સીટી પોલીસ દ્વારા દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હોય

શહેરના વોરાકોટડા રોડ ઉપર ડુપ્લીકેટ વિદેશી દારૂનો ગૃહ ઉદ્યોગ પકડી પાડી આશરે એક લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલમાંથી વિદેશી ડુપ્લીકેટ દારૂનો જથ્થો ગોંડલ સિટી પોલીસના ડી સ્ટાફના જયદીપસિંહ ચૌહાણની બાતમીના આધારે ડુપ્લીકેટ દારૂ બનાવતો ગૃહ ઉદ્યોગ પકડી પાડવામાં આવ્યો છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરના વોરાકોટડા રોડ પર શાળા નંબર ૧૬ પાસે રહેતા નરેન્દ્ર અમીચંદ ઉનડકટ દ્વારા એસન્સ અને ખાદ્ય પાવડરની મિલાવટથી વિદેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે સિટી પી.આઈ એસ એમ જાડેજા, શક્તિસિંહ જાડેજા, જયસુખભાઇ ગરભાડીયા, જયંતીભાઈ સોલંકી તેમજ અરવિંદભાઈ દાફડા સહિતનાઓએ દરોડો પાડ્યો હતો

આશરે એક લાખ રૂપિયાની કિંમતનો ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો, ઓફિસર ચોઇસ, બ્લેન્ડર પ્રાઇડ સહિતના દારૂના બોક્સ સ્ટીકર અને ખાલી બોટલો પકડી પાડવામાં આવી હતી. આ તકે ગોંડલ સીટી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉપરોક્ત પકડાયેલા શખ્સ દ્વારા પ્રિન્ટેડ દારૂના બોક્સ, સ્ટીકર કાચ અને પ્લાસ્ટિકની બોટલો ક્યાંથી અને કોની પાસેથી ખરીદ કરવામાં આવી છે તે અંગે પણ તપાસ હાથ ધરાશે, કોમ્પ્યુટર ડિઝાઇન અને બોક્સ પ્રિન્ટિંગનો રેલો રાજકોટ અમદાવાદ સુધી પહોંચનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાએથી કાઢવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે તેમજ રૂપિયા ૫૦ લાખથી પણ વધુ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.