૨૦૨૦ની તુલનામાં ૨૦૨૧માં અનાજની કિંમત ૨૫% વધશે
નવી દિલ્હી, કોરોના મહામારીને લીધે દુનિયાના મોટાભાગના દેશોની આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે. જેના ગંભીર પરિણામો જાેવા મળી રહ્યા છે. કોરોના મહામારીને લીધે આવેલી મોંઘવારીનો ગંભીર મુદ્દો પણ લોકોને સતાવી રહ્યો છે.
તો બીજી તરફ ઇન્ટરનેશન મોનેટરી ફંડએ વિશ્વિસ્તરે અનાજ-કઠોળના ભાવોમાં થઇ રહેલા વધારાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ક્રિસ્ટિયન બોગમેંસ, આંદ્રેઇ પેસાકાટોરી અને ઇરવિન પ્રિફ્ટીએ લખેલા લેખમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, વિશ્વસ્તરે ખાદ્ય સામગ્રીમાં થઇ રહેલો ભાવ વધારો હજુ વધશે અને વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧માં અનાજની કિંમતોમાં ૨૫ ટકા સુધીનો વધારો થશે.
આ વર્ષના અંતમાં ખાદ્ય સામગ્રીની કિંમતો સ્થિર થાય એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્ય સામગ્રીના ભાવમાં આવેલા ઉછાળાની અસર દેશો પર પડી રહી છે. તેમના ઘરેળુ બજારોમાં અનાજના ભાવ સતત વધી રહ્યા છે અને દુકાનદારો વધી રહેલી કિંમતોનો બોઝો ગ્રાહકો પર નાંખી રહ્યા છે. ભારતમાં પણ ખાણી-પીણીની ચીજાેનો ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
દેશમાં ખાદ્ય તેલ અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવે પહોંચી ચૂક્યા છે. વિશ્વસ્તરે ફુગાવાની સ્થિતિને લઇને અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાણી-પીણી સામગ્રીની ઉંચી કિંમતોની પ્રતિકૂળ અસર વિકાસશીલ દેશો પર વધારે પડશે.
જે પાછળનું કારણ એ છે કે આયાત પર તેમણે ડોલરમાં ચૂકવણી કરવી પડી રહી છે. જાે ડોલરની સરખામણીએ તેમની કરન્સી નબળી પડે છે તો એમના માટે આયાત વધુ મોંઘુ થશે. ભારત કઠોળ અને ખાદ્યતેલોની આયાતમાં મોખરું સ્થાન ધરાવે છે.