Western Times News

Gujarati News

“એનેસ્થેસિયાની શાખા માત્ર ૧પ૦ વર્ષો જૂની છે તેમાં આજની તારીખ સુધી સંશોધનો થયાં જ કરે છે !”

“ખૂબ પર્દા હૈ કિ ચિલમન સે લગે બૈઠે હૈં સાફ છુપતે ભી નહીં, સામને આતે ભી નહીં !!”

“શ્વસનક્રિયા જીવવા માટે કેટલી જરૂરી છે તે આપણે જાણીએ છીએ.

જાે માણસ ૩ થી પ મિનિટ શ્વાસ ન લે તો હ્ય્દય અને મગજ જેવા મહત્વના અવયવો ને ઓકસીજનનો પુરવઠો ન પહોંચે તેથી ક્યાં તો માણસ ‘કોમા’માં સરી જાય કે મૃત્યુ પણ પામે. એનેસ્થેટિસ્ટ આવી તકલીફ વાળા દર્દીઓને વેન્ટિલેટર પર મૂકીને સારવાર કરનાર વ્યક્તિ છે !!”

“જેમ સૂર્યપ્રકાશ વગર પૃથ્વી ઉપર જીવન શક્ય નથી તેમ સર્જરીની બધી જ શાખાઓ અને મેડિસિનની ઘણી શાખાઓ એનેસ્થેસિયોલોજિસ્ટ વગર કાર્ય કરી શકતી નથી. બધાં જ ઓપરેશન થિયેટરો ઉપરાંત એનેસ્થેસિયોલોજિસ્ટ, કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (જ્યાં એન્જ્યિોગ્રાફિ અને એન્જિયો પ્લાસ્ટી થાય છે) ઈન્ટેન્સિવ કેર યુનિટ, ઈમર્જન્સી મેડિકલ યુનિટ (કેઝયુઅલ્ટી), સાઈક્રિયાટ્રિક ડિપાર્ટમેન્ટ અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સેવા આપે છે!

સાઈક્રિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં દર્દીઓને ઈલેકટ્રો ક્રન્વલસીવ થેરાપી (ઈઝ્ર્‌) આપતાં પહેલાં બેભાન કરવા પડે છે. રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ઘણીવાર સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. કરતાં પહેલાં એનેસ્થેટિસ્ટની હાજરી ઘણી ઉપયોગી, મદદરૂપ, અને આવશ્યક ગણાય છે !

ઈન્ટેન્સિવ કેર યુનિટમાં (ICU) એનેસ્થેસિયોલોજિસ્ટની ઉપસ્થિતિ અતિમહત્વ્ની અને આવશ્યક છે ! ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરેલાં દર્દીઓ ખૂબ ગંભીર માંદગીમાં સપડાયેલા હોય છે અને તેઓને જે ઈન્ટેન્સિવ સારવારની જરૂર હોય છે તે એનેસ્થેટિસ્ટ ખૂબ સરસ રીતે આપી શકે છે, કારણ કે એનેસ્થેટિસ્ટ ખરા અર્થમાં ઈન્ટેનસીવીસ્ટ છે. હકીકતમાં આપણા દેશના ICU અને પરદેશમાં તો ઘણા ICU, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ ચલાવે છે !

એનેસ્થેટિસ્ટ ‘વેન્ટિલેટર’ નામના મશીનના નિષ્ણાત ગણાય છે ! જે દર્દી બરાબર શ્વાસ ન લઈ શકતો હોય, જેને શ્વાસની ખૂબ જ તકલીફ હોય તેવા દર્દીને વેન્ટિલેટર નામના મશીન ઉપર મૂકવામાં આવે છે. શ્વસન ક્રિયા જીવવા માટે કેટલી જરૂરી છે તે આપણે બધા જાણીએ છીએ. જાે માણસ ત્રણથી પાંચ મિનિટ શ્વાસ ન લે તો હ્ય્દય અને મગજ જેવા મહત્વના અવયવો ને ઓક્સિજનનો પુરવઠો ન પહોંચે અને તેથી ક્યાં તો માણસ ‘કોમા’માં સરી જાય કે પછી મૃત્યુ પણ પામી શકે.

એનેસ્થેટિસ્ટ આવા શ્વાસોચ્છ્‌વાસની તકલીફવાળા, ગંભીર રીતેમાંદા દર્દીઓને વેન્ટિલેટર પર મૂકીને તેમની સારવાર કરનાર વ્યક્તિ છે !

આમ, શરીરના સંપૂર્ણ ચેતનાતંત્રને અને સંવેદનાતંત્રને બધિર કરવાના (બેહોશ) શાસ્ત્રને એનેસ્થેસિયોલોજી કહે છે અને એનેસ્થેસિયોલોજીના નિષ્ણાત ર્ડાકટરને એનેસ્થેસિયોલોજિસ્ટ કે એનેસ્થેટિસ્ટ કહે છે ! આ એનેસ્થેસિયા શું છે ! એનેસ્થેસિયાની વ્યાખ્યા છે-

રીવર્સીબલ લોસ ઓફ ઓલ ધી મોડાલીટીસ ઓફ સેન્સેશન.  સાદા શબ્દોમાં સમજીએ તો ઓપરેશન પહેલાં જ્યારે દર્દીને એનેસ્થેસિયા આપવામાં આવે છે ત્યારે દર્દી બેભાન થઈ જાય છે અને એ કોઈપણ પ્રકારની વેદના- સંવેદના સમજી શકતો નથી, અનુભવી શકતો નથી ! એની પ્રત્યેક પ્રકારની સંવેદના બધિર (બેહોશ) થઈ જાય છે અને એનું ચેતનાતંત્ર એક ગાઢ નિદ્રામાં સરકી જાય છે ! હાથ અને પગ જેવા અવયવોનું હલનચલન પણ બંધ થઈ જાય છે. શરીરના સ્વૈચ્છિક સ્નાયુઓ પણ નિષ્ક્રિય થઈ જાય છે ! જેથી દર્દી શ્વાસોચ્છ્‌વાસ પણ લઈ શકતો નથી. (શ્વસન ક્રિયા માટે સ્વૈચ્છિક સ્નાયુઓનું કાર્યશીલ હોવું જરૂરી છે.) ઓપરેશન દરમ્યાન દર્દીનું ધબકતું હ્ય્દય જ તેના જીવનની નિશાની હોય છે. પણ ઉપર જણાવ્યા મુજબ તેના શ્વાસોચ્છ્‌વાસ પણ બંધ થઈ જાય છે, અને એનેસ્થેટિસ્ટ દર્દીના શ્વાસોચ્છ્‌વાસ સંભાળે છે, તેની કાળજી લે છે ! જ્યારે એક વાર દર્દી બેભાન થઈ જાય પછી તેની શ્વાસનળીમાં એક નળી દાખલ કરવામાં આવે છે, તેને એન્ડોટ્રેકીઅલ ઈનટુબેશન (ઈહર્ઙ્ઘંટ્ઠિષ્ઠરીઙ્મ ૈંહંેહ્વટ્ઠંર્ૈહ) કહે છે. સાહેબ… આ એન્ડોટ્રેકીઅલ ઈનટુબેશન સૌથી મહત્વનું પગલું છે ! શ્વાસનલિકામાં દાખલ કરેલી આ નળી એનેસ્થેસિયાના મશીન સાથે જાેડવામાં આવે છે અને મશીનમાંથી આવતાં ઓક્સિજન અને એનેસ્થેસિયાના સૂંઘાડવાનાં ઔષધો આ નળી ધ્વારા શ્વાસનલિકામાં નળી બરાબર ન ગોઠવાય કે પછી નળી એનેસ્થેસિયાના મશીનથી છૂટી પડી જાય તો દર્દીને ઓક્સિજન અને એનેસ્થેસિયાના સૂંઘાડવાનાં ઔષધો બરાબર ન પહોંચે.

જાે શરીરમાં ૩ થી ૪ મિનિટ સુધી ઓક્સિજનની ઉણપને લીધે હાનિ થાય જેને લીધે દર્દી પાછો ભાનમાં ન આવે કે પછી મૃત્યુ પણ પામી શકે ! અલબત્ત આ આખી પ્રક્રિયા રીવર્સેબલ હોય છે ! એટલે કે, ઓપરેશન પુરું થાય ત્યારે એનેસ્થેસિયોલોજિસ્ટ એનેસ્થેસિયાની દવાઓ આપવાનું બંધ કરે છે જેથી દર્દી પાછો ભાનમાં આવે છે.

એના બેહોશ થઈ ગયેલાં ચેતનાતંત્ર અને સંવેદનાતંત્ર પાછાં પૂર્વવત્‌ ધબકતાં થાય છે અને એ વળી પાછો દબાણ, સ્પર્શ, દુઃખ, દર્દ અને ઉષ્ણતામાનની અનુભૂતિ કરતો થાય છે. ગાઢ નિદ્રાધીન થયેલો દર્દી પાછો વળી પાછો જાગ્રત થાય છે. તેના સ્વૈચ્છિક સ્નાયુઓ વળી પાછા કાર્યશીલ બને છે. જે હવે તેના નિયંત્રણ હેઠળ આવી જાય છે

જેથી કરીને તે શ્વાસ લઈ શકે છે, હાથપગ હલાવી શકે છે ! આ ઉપરથી સમજાય છે કે દર્દીને એનેસ્થેસિયા આપવાનંુ કામ કેટલું બધું જાેખમવાળું છે ! એનેસ્થેટિસ્ટ દર્દીને એનેસ્થેસિયા આપીને ‘કોમેટોઝ’ બનાવે છે. એટલે કે દર્દીને મૃત્યુના મુખ સમીપ લઈ જાય છે. અને ઓપરેશન પછી પાછો તેને જીવનને આંગણે હસતો રમતો મૂકી દે છે !

એક કાર્ડિયાક સર્જન જે હ્ય્દયના બાયપાસના અને વાલ્વ રિપ્લેસમેન્ટનાં ઓપરેશન કરે છે – એક ન્યુરો સર્જન જે મગજમાં ઉત્પન્ન થયેલી ગાંઠ કાઢવા જેવાં જટિલ ઓપરેશન કરે છે- એક જનરલ સર્જન જે પેટમાં રહેલા લિવર, પેન્ક્રિયાસ, ગોલ બ્લેડર જેવા અવયવોનાં ઓપરેશન કરે છે –

એક યુરોલોજિસ્ટ જે કિડની, મૂત્રાશય અને પ્રોસ્ટેટનાં ઓપરેશન કરે છે – એક પીડિયાટ્રિક સર્જન જે નવજાત શિશુથી માંડીને ૧ર વર્ષનાં બાળકોની સર્જરી કરે છે – એક ઈ.એન.ટી. સર્જન જે નાક, કાન અને ગળાનાં ઓપરેશન કરે છે – એક ઓર્થોપેડિક સર્જન જે વજનદાર અને ભારે ખમ ઓજારો વડે હાડકાંનાં ઓપરેશન કરે છે – એક ઓફથેલ્મિક સર્જન જે આંખ જેવા નાજુક અવયવનાં ઓપરેશન ખૂબ જ નાજુક અને બારીક હથિયારો વાપરીને કરે છે –

એક પ્લાસ્ટીક સર્જન જે અત્યંત હલકે હાથે નાજુક કોસ્મેટિક સર્જરી કરે છે – એક કેન્સર સર્જન જે શરીરમાં ઉત્પન્ન થયેલી કેન્સરની ગાંઠ કાઢવાનાં ઓપરેશન કરે છે – એક ગાયનેકોલોજિસ્ટ જે સિઝેરિયન સેક્શન કરીને ગર્ભસ્થ શિશુનો જન્મ કરાવે છે – આ બધા સર્જનોમાં એક જરૂરી અને સામાન્ય બાબત છે એનેસ્થેસિયોલોજિસ્ટ ઉપરનું અવલંબન !!!

આ એનેસ્થેસિયોલોજિસ્ટને લીધે જ સર્જરીની વિવિધ શાખાઓના આ નિષ્ણાતો દર્દી ઉપર ઓપરેશન થિયેટરમાં વાઢકાપ કરી શકે છે ! એનેસ્થેસિયોલોજિસ્ટ દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કરે છે અને ત્યારબાદ જ સર્જનો પોતાનું કામ એટલે કે ઓપરેશન શરૂ કરી શકે છે !! ઓપરેશન થિયેટરમાં એનેસ્થેસિયોલોજિસ્ટ બેવડી જવાબદારી નિભાવે છે !

એક તો દર્દીને યોગ્ય માત્રામાં એનેસ્થેસિયા આપવાની અને બીજી સમગ્ર ઓપરેશન દરમિયાન દર્દીના હ્ય્દય, ફેફસાં, મગજ અને કિડની જેવા અતિમહત્વના અવયવોની કાર્યશીલતા પર સતત દેખરેખ રાખવાની અને જાે તે યોગ્ય રીતે કામ ન કરતાં હોય તો જરૂરી દવાઓ આપીને કામકાજ સુધારવાનું !! એટલે જાેવા જઈએ તો એનેસ્થેસિયોલોજિસ્ટ સર્જન ને, ઓપરેશન દરમ્યાન દર્દીની તબિયત અને જિંદગી વિશે બિલકુલ નચિંત બનાવી દે છે જેથી સર્જન બિલકુલ તણાવરહિત સારી માનસીક સ્થિતિ સાથે ઓપરેશન કરી શકે છે !!

વિશ્વમાં સૌ પ્રથમ એનેસ્થેસિયા આપવાનું શ્રેય વિલિયમ મોર્ટન ને ફાળે જાય છે ! ૧૬મી ઓક્ટોબર, વર્ષ ૧૮૪૬ને દિવસે જહોન વોરન નામના સર્જન ગિલબર્ટ એબટ નામના દર્દી ઉપર, બોસ્ટનની મેસેશૂસેટ્‌સની જનરલ હોસ્પિટલમાં, જડબાંમાંની નાનકડી ગાંઠ કાઢવાનું ઓપરેશન કરવાના હતા ત્યારે આ વિલિયમ મોર્ટને દર્દીને ઈથર સૂંઘાડીને એનેસ્થેસિયા આપ્યું હતું ! એનેસ્થેસિયા અને સર્જરીની શાખાઓમાં આજે થયેલી પ્રગતિનું આ પ્રથમ સોપાન હતું !

માનવ ઈતિહાસમાં જેટલું મહત્વ ચક્રની શોધનું છે, કદાચ તેટલું જ મહત્વ તબીબીશાસ્ત્રમાં ખાસ કરીને સર્જરીમાં એનેસ્થેસિયાનું ગણી શકાય !!! વર્ષ ૧૮૪૬ની અગાઉ, સર્જરી અને ઓપરેશન એ જિંદગી બચાવવાના આખરી પ્રયન્તમાં ભયંકર વિકલ્પ ગણાતા હતા ! સર્જનની સફળતા માત્ર તેની ઓપરેશન કરવાની ઝડપ ઉપર આધારિત રહેતી !

ઓપરેશન દરમિયાન દર્દીને મજબૂત રીતે પકડવામાં આવતો કે પછી ખાટલા સાથે બાંધી દેવામાં આવતો. ઘણાખરા દર્દીઓ ઓપરેશન દરમ્યાન ચીસો પાડીને બેભાન થઈ જતા, તો ઘણા દર્દીઓ ઓપરેશન દરમ્યાન મરી પણ જતાં- તેઓની યાતના અસહ્ય હોવાના કારણે જ !!….

જ્યારે એનેસ્થેસિયાની શોધ પછી ૧૯મી સદીના ઉત્તરાધર્મમાં ઓપરેશન થીયેટરનું દ્રશ્ય જ બદલાઈ ગયું ! દર્દી હવે ઓપરેશન દરમ્યાન યાતનામુક્ત રહેવા લાગ્યો અને ઓરડામાં પડાતી દર્દીની ચીસો પણ હવે શમી ગઈ ! અને તેથી સર્જનની ઓપરેશન કરવાની ઝડપ ઓછી થવાથી ઓપરેશન વધુ ચોક્સાઈપૂર્વક કરી શકતા થયાં !

રસાયણ ઈથરની શોધ થયા પછી (ઈથર એ એનેસ્થેસિયામાં વપરાય છે) ૧૮૪૭માં ક્લોરોફોર્મ નામના પ્રવાહીની શોધ થઈ ! જેમ્સ સિમ્પસન નામના ઓબ્સ્ટેટ્રિશિયને ક્લોરોફોર્મ સૂંઘાડીને દર્દીની પ્રસુતિ પીડા રહિત બનાવી. આ કલોરોફોર્મ ઈથર કરતાં વધુ સક્ષમ હતું પણ તેની આડ અસરો પણ વધારે હતી. કલોરોફોર્મ દર્દીનું અચાનક મૃત્યુ નિપજાવી શકે તેટલું સક્ષમ હોવા છતાં એ ઘણું જ ઉપયોગમાં લેવાતું !

તે પછીના ૪૦ વર્ષો દરમ્યાન બીજાં ઘણાં સૂંઘાડવાનાં ઔષધો શોધાયાં પણ તે પ્રચલિત બને તે પહેલાં જ કાળની ગર્તામાં વિલીન થઈ ગયાં !!! ૧૯પ૦ના દાયકામાં ‘હેલોથેન’ નામનું એક નવું સૂંઘાડવાનું પ્રવાહી પણ અસિત્વમાં આવ્યું જે ઈથર અને ક્લોરોફોર્મની સરખામણીમાં મીઠી સુગંધવાળું અને ઓછી આડઅસરવાળું અને બિન જાેખમી છે !

એકંદરે એનેસ્થેસિયાની શાખા જે માત્ર ૧પ૦ વર્ષો (દોઢસો) જૂની છે તેમાં આજની તારીખ સુધી સંશોધનો થયાં જ કરે છે ! આમ જાેવા જઈએ તો સર્જરીની વિવિધ શાખાઓમાં પ્રગતિ ઘણી બધી થઈ છે પણ સાથોસાથ તેના મૂળમાં નું ખરું શ્રેય આધુનિક એનેસ્થેસિયાને અને એનેસ્થેસિયોલોજિસ્ટને પણ આપવું ઘટે !

સમગ્ર ઓપરેશન દરમ્યાન એનેસ્થેસિયોલોજિસ્ટ એનેસ્થેસિયાની માત્રા અને સપાટી તો જાળવી રાખે જ છે, પણ તે ઉપરાંત દર્દીના બ્લડપ્રેશર નાડીના ધબકારા, શ્વાસોચ્છ્‌વાસ, ઉષ્ણતામાન, લોહી અને પાણીનું શરીરમાં પ્રમાણ, ઓક્સીજન અને કાર્બન ડાયોકસાઈડનું લોહીમાં પ્રમાણ, પેશાબ, સોડિયમ, પોટેશિયમ ક્લોરાઈડનું લોહીમાં પ્રમાણ વગેરે માપદંડો ઉપર સતત દેખરેખ રાખે છે અને જાે કશેય પણ ક્યાંક વધ-ઘટ થાય તો તેની તુર્તજ સારવાર પણ કરે છે !

આમ એનેસ્થેસિયોલોજિસ્ટ સર્જનને સરળતાથી, સહેલાઈથી શાંતિથી, નિશ્ચિતતાથી દર્દી ઉપર ઓપરેશન કરવા લીલી ઝંડી આપે છે ! સર્જન ગમે તેટલાં મોટાં ગજાના હોય તો ય તેમને જાે સારા એનેસ્થેટિસ્ટનો સાથ ન મળે તો તેમના ઓપરેશનનું ધાર્યું પરિણામ ન આવી શકે !

આમ એનેસ્થેસિયાની આ અજાયબ આલમમાં એનેસ્થેસિયોલોજિસ્ટના કાર્યનું મહત્વનું યોગદાન છે જેના આપણે કૃતજ્ઞી છીએ! ખૂબી તો ત્યાં છે કે જ્યારે દર્દી એનેસ્થેસિયોલોજિસ્ટને બરાબર ઓળખવા માંડે તે પહેલાં તો તે બેભાનાવસ્થામાં સરી પડે છે અને જ્યારે એ પૂરેપૂરા ભાનમાં આવે અને એનેસ્થેસિયોલોજિસ્ટનો આભાર માનવા માગે ત્યાં સુધીમાં તો તેઓ ચાલ્યા ગયા હોય છે !! “ખૂબ પર્દા હૈ કિ ચિલમન સે લગે બૈઠે હૈ’

સાફ છુપતે ભી નહીં, સામને આતે ભી નહીં !” – આ કદાચ એનેસ્થેસિયોલોજિસ્ટ માટે જ લખાયું હશે !!!

ખીડકી- એનેસ્થેસિયોલોજિસ્ટ ર્ડા. જી.એસ. અંબાર્ડેકરનું એનેસ્થેસિયામાં અગ્રીમ નામ છે ! એમને ડીન ઓફ ફેકલ્ટી ઓફ એનેસ્થેસિયા ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સ તરફથી ખાસ એનેસ્થેસિયાના વિષય માટે ડી.એ. અને એફ.એફ.એ આર.સી.એસ.ના કોર્સની પ્રગતિ જાેવા માટે બોલાવવામાં આવ્યા હતા – આવું માન મેળવનાર તે પહેલા ભારતીય છે !

જ્યારે ર્ડા. વાય.જી. ભોજરાજ પહેલા ભારતીય એનેસ્થેસિયાલોજિસ્ટ છે જેમણે એફ.એફ.એ.આર.સી.એસ ની ડિગ્રી લંડનમાં મેળવી હતી. આ પહેલાં એમણે ડી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલોમાં લેખો લખ્યા છે તેમજ વિઝિટિંગ પ્રોફેસર તરીકે ઘણાં આંતરરાષ્ટ્રીય કેન્દ્રોમાં સેવા આપી છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.