ભાવનગરમાં બર્થ-ડે પાર્ટીમાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
ભાવનગર: ભાવનગરમાં યુવાનના જન્મદિવસની ઉજવણી સમયે જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારના ગોપાલ ઉર્ફે ડોંગરના જન્મદિવસે તેના જ મિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી છે.મળતી માહિતી અનુસાર,જન્મદિવસની પાર્ટી મિત્રો સાથે ચાલુ હતી.તે દરમિયાન વિશાલ નામના મિત્રએ કોઈ સામાન્ય વાતે ઉશ્કેરાઈ જઈ ગોપાલની હત્યા કરી હતી.આ મામલે પોલીસે હત્યારા આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તાર માં રહેતા ગોપાલ ઉર્ફ ડોંગર જીતુભાઈ રાઠોડ નો આજે જન્મદિવસ હતો, અને મિત્રો સાથે જન્મદિવસ ઉજવવાનું નક્કી કરી આજે રવિવાર નો દિવસ હોય શહેર ની મેઈન બજાર બંધ હોવાથી ખારર્ગેટ નજીક ધોબી ગલી માં આવેલ ચકુ મહેતા ની શેરીમાં ૧૦ થી ૧૨ મિત્રો સાથે ગોપાલે પાર્ટી નું આયોજન કર્યું હતું.
તમામ મિત્રો પાર્ટી કરી રહ્યા હતા તે દરમિયાન શહેરના પાનવાડી વિસ્તાર માં રહેતા વિશાલ નામના મિત્ર સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો, જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિશાલે ઉશ્કેરાઈ જઈને ગોપાલ ઉર્ફ ડોંગર ઉપર હુમલો કરી દીધો હતો, અને કોઈ કઈ સમજે એ પહેલા જ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર ના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા ગોપાલ નું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ, ઘટના ની જાણ થતાં ડીવાયએસપી એમ.એ.સૈયદ સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા મામલે આરોપી ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.