ક્રિપ્ટો કરન્સીમાં નિયંત્રણો છતાં દોઢ કરોડ ભારતીયોનું રોકાણ
મુંબઈ: ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જાણીતો છે. દેશમાં લોકોના ઘરોમાં જ ૨૫ હજાર ટન જેટલું સોનું સંગ્રહાયેલું હોવાનો અંદાજ છે. જાેકે, જમાના સાથે હવે રોકાણ કરવાની રીત પણ બદલાઈ રહી છે. તેમાંય ખાસ કરીને યંગ જનરેશનને હવે સોનામાં રોકાણ કરવામાં જાણે ખાસ રસ ના રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શેરમાર્કેટ બાદ હવે ક્રિપ્ટો કરન્સીમાં ભારતીયોનો રસ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે યંગ રોકાણકારો સોનાને બદલે ક્રિપ્ટો અને ખાસ તો બિટકોઈનમાં રુપિયા રોકવાનું પસંદ કરી રહ્યા છે.
રિચી સુદ ૩૨ વર્ષની યુવતી છે. નોકરીને બદલે સ્વતંત્ર વ્યવસાય કરતી રિચી પણ ગોલ્ડ છોડીને ક્રિપ્ટો તરફ વળેલા લાખો ભારતીય યંગસ્ટર્સમાંની એક છે. ડિસેમ્બરથી તેણે બિટકોઈન, ડોજકોઈન અને ઈથરમાં ૧૦ લાખ રુપિયા રોક્યા હતા. જેમાંથી કેટલીક રકમ તેણે પોતાના પિતા પાસેથી ઉધાર લીધી હતી. જાેકે, તે લકી હતી કે તેણે બિટકોઈન ફેબ્રુઆરીમાં ૫૦ હજાર ડોલરની સપાટીએ પહોંચ્યો ત્યારે જ તેને વેચી દીધો હતો. ત્યારબાદ તેણે બિટકોઈનમાં આવેલા જાેરદાર ઘટાડા બાદ ફરી તેને ખરીદ્યો હતો. આ ટ્રેડમાં રિચી સારું એવું કમાઈ ગઈ અને તેનાથી તેને પોતાના સ્ટાર્ટઅપ સ્ટડી મેટ ઈન્ડિયા માટે વ્યવસ્થિત ફંડ પણ મળી ગયું.
રિચી જણાવે છે કે તે ગોલ્ડ કરતાં ક્રિપ્ટોમાં રોકાણ કરવું વધારે પસંદ કરશે. તેનું માનવું છે કે ગોલ્ડ કરતાં ક્રિપ્ટો વધારે પારદર્શક છે અને શોર્ટ ટાઈમમાં મોટું રિટર્ન આપી શકે છે. આવું માનનારી રિચી એકમાત્ર યુવતી નથી. એક અંદાજ અનુસાર, ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારાની સંખ્યા હાલ દોઢ કરોડની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં બિટકોઈન કે ક્રિપ્ટો કરન્સી પર નિયંત્રણો હોવા છતાંય આટલી મોટી સંખ્યામાં ભારતીયો તેમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, ૩૪ વર્ષથી ઓછી વય ધરાવતો ભારતીય યુવાવર્ગ ગોલ્ડમાંથી રસ ગુમાવી રહ્યો છે. બીજી તરફ, એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના કો-ફાઉન્ડરનું કહેવું છે કે ક્રિપ્ટોમાં રોકાણ કરનારા મોટાભાગના ભારતીયો ૩૪ વર્ષથી ઓછી વયના છે.
ગોલ્ડની સરખામણીએ ક્રિપ્ટોમાં રોકાણ કરવાની પ્રોસેસ ખૂબ જ સિમ્પલ હોવાથી તેના તરફ આકર્ષણ વધી રહ્યું છે. ઝેબપેના કો-ફાઉન્ડર સંદીપ ગોયંકા જણાવે છે કે ક્રિપ્ટો ખરીદવા બસ એક મોબાઈલ કે કમ્પ્યુટર પૂરતા છે. ઓનલાઈન જાઓ, લોગ-ઈન કરો અને ક્રિપ્ટો ખરીદી લો.. તેને વેરિફાઈ કરવાની પણ જરુર નથી. સંદીપ ગોયંકા વર્ષોથી સરકાર ક્રિપ્ટો માટે નીતિ બનાવે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. ૨૦૧૮માં ભારતમાં ક્રિપ્ટોના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જાેકે, ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિબંધ હટી જતાં ટ્રેડિંગમાં મોટો વધારો થયો છે.