પેપોળ ગામના ઈતિહાસમાં પ્રથમવાર યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

Files Photo
વડગામ, વડગામ તાલુકાના પેપોળ ગામમાં પ્રથમવાર રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ પેપોળ ગામના ગુરુ બ્રાહ્મણ સમાજની શિક્ષિત મહિલા જયોત્સનાબેન જગદીશકુમાર શ્રીમાળીએ રકતદાન કરીને ગામની તથા સમાજની મહિલાઓને સ્વૈચ્છિક રકતદાન કરવા પ્રેરણા રૂપ બન્યા હતા. ગામમાં તમામ સમાજના યુવાનોએ સ્વૈચ્છિક રકતદાન કરીને ગામની એકતાના દર્શનકરાવી તાલુકાભરમાં ઈતિહાસ રચ્યો હતો.
ગામલોકો ને બ્લડની જરૂરીયાત સમયે મદદરૂપ બનવા ગામના યુવાનોનું પ્રથમ આયોજન સફળ રહ્યું હતું જેને વડગામ તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ તથા વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણાએ બિરદાવી સમગ્ર ગ્રામજનોની એકતાના ખૂબ વખાણ કર્યા હતા.
તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરથીભાઈ ગોળે જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક વખત સંગઠનો અને સંસ્થાઓ થકી રક્તદાન કેમ્પ યોજાયાછ ે. પરંતુ વડગામ તાલુકામાં ગ્રામજનોના સહીયારા પ્રયત્નો થકી રકતદાન કેમ્પ યોજાયો હોય તે પ્રથમ ગામ પેપોળ હશે તેવું પ્રમુખએ જણાવ્યું હતું.
તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણાએ પેપોળમાં રકતદાન કેમ્પમાં સૌ પ્રથમ રકતદાન કરનાર મહિલા જયોત્સનાબેન જગદીશભાઈ શ્રીમાળીને શાલ તેમજ ૧૦૦ રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગામલોકો દ્વારા પણ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
રકતદાન કેમ્પની સાથે સાથે પેપોળ પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડનું ભુમીપૂજન કરવામાં આવ્યું હતું. રકતદાન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા ભાજપ પ્રમુખની સાથે જિલ્લા પંચાયત સદસ્ય સહીત ગામના અનેક આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહીને રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો સ્વૈચ્છિક રકતદાન કેમ્પમાં પ૧ બોટલ એકત્ર કરાઈ હતી.