બાયડનો ઝાંઝરી ધોધ ફરી ગોઝારો સાબિત થયો ઃ અમદાવાદના યુવાનનું કરુણ મોત

શામળાજી, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ પર્યટન સ્થળ તરીકે જાણીતા ઝાંઝરી ધોધમાં એક આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આમ ફરી એકવાર ઝાંઝરી ધોધ પર્યટકો માટે ગોઝારો સાબિત થયો છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ જીવન એપાર્ટમેન્ટ, ગોરના કુવા પાસે, જશોદાનગર, અમદાવાદ ખાતે રહેતો યુવાન અગાપે ચંદુભાઈ રાઠોડ તેના ત્રણ મિત્રો સાથે રવિવારની રજા હોવાથી પર્યટન સ્થળ તરીકે જાણીતા બાયડ તાલુકાના આંબલીયારા નજીક ઝાંઝરી ધોધ ખાતે આવ્યા હતા
ધોધમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોમાંથી રાઠોડ અગાપે ચંદુભાઈ (ઉ.૧૮)નું ધોધના ઉંડા વહેણમાં તણાઈને ડૂબી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. મૃતક યુવાન રાઠોડ અગાપે ચંદુભાઈ ધનવંતરિ હોસ્પિટલમાં હંગામી ધોરણે નોકરી કરતો હતો. ઘટનાની જાણ આંબલિયારા પોલીસને થતા પો.સ.ઈ. ડામોર પોલીસ કુમક સાથે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ડૂબેલા યુવાનને સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ બહાર કઢાવ્યો હતો જે યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું.